જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં રોજ ચાલીસ હજાર કેસો મળી શકે : મુંબઈ પાલિકા

જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં રોજ ચાલીસ હજાર કેસો મળી શકે : મુંબઈ પાલિકા
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 9 : મુંબઈમાં વધી ગયેલા કોરોનાના પ્રકોપ વિશે મુંબઈ પાલિકાનું માનવું છે કે જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં કોરોનાના દરદીઓ મળવાની સંખ્યા પરાકાષ્ઠાએ પહોંચશે અને એ કાળમાં રોજ ચાલીસ હજાર કેસ મળે એવી સંભાવના છે. 
મુંબઈ પાલિકાના એડિશનલ કમિશનર (હેલ્થ) સુરેશ કાકાણીનું કહેવું છે કે, પહેલાં દક્ષિણ આફ્રિકામાં અને પછી બ્રિટનમાં ઓમિક્રોનના વાઈરસ મળ્યા કે અમે પણ સતર્ક થઈ ગયા હતા. ઓમિક્રોનનો ચેપ ઝડપથી ફેલાતો હોવાની અમને ખબર હતી કે, મુંબઈમાંથી પણ મોટાપાયે દરદી મળશે એવું અમારું માનવું હતું. એટલે એનો સામનો કરવા અમે માનસિક રીતે તો તૈયાર જ હતા. 
તેઓ કહે છે કે કોરોનાના પ્રથમ બે લહેરમાં કોવિડ જમ્બો સેન્ટરો પર અમે મદાર રાખેલો. કોરોનાની વર્તમાન ત્રીજી લહેરમાં પણ અમે આ સેન્ટરો પર જ મદાર રાખવાના છીએ. એમાં વધુ ખાટલાં અમે ઉમેરી રહ્યા છીએ. અત્યારે આ સેન્ટરોમાં 35 હજાર બેડ છે અને અમે મેડિકલ ઓક્સિજન સપ્લાય અને દવા માટે ટેન્ડરો બહાર પાડયા છે. 
તેમણે કહ્યું હતું કે, ઓમિક્રોનનો ચેપ હળવો છે એવી એક સામાન્ય માન્યતા છે. જે નવા દરદી મળી રહ્યા છે એમાં 90 ટકામાં કોરોનાના લક્ષણો દેખાતા સુદ્ધા નથી. મુંબઈમાં રસીનું પ્રમાણ એકદમ સારું છે અને લોકો કોરોનાના નિયમો પણ પાળે છે. એને કારણે બહુ જુજ દરદીઓને ઓક્સિજન પર રાખવાની ફરજ પડી રહી છે. 
સુરેશ કાકાણી કહે છે કે અત્યાર સુધી જે સેમ્પલ્સ જિનોમ સિક્વન્સિગ માટે લૅબમાં મોકલેલા એમાં 55 ટકામાં ઓમિક્રોનના વિષાણુ અને 45 ટકામાં ડેલ્ટાના વિષાણુ હોવાનું પુરવાર થયું છે. અત્યારે ઓમિક્રોમ ચેપની બોલબાલા છે. બીજા લોટનું રિઝલ્ટ હવે અમને મળશે ત્યારે ખબર પડશે કયા વિષાણુનું જોર છે. 
એ કહે છે કે કોરોનાનું જોર ક્યારે ઘટશે એની આગાહી કરવાનું મુશ્કેલ છે. મારા હિસાબે જાન્યુઆરીના ત્રીજા સપ્તાહ બાદ કેસો ધીરે ધીરે ઘટશે. મેં મુંબઈના વિવિધ વિસ્તારોની મુલાકાતો લેવાનું પણ શરૂ કરી દીધું છે. કોરોનાના રોજ જે કેસ મળી રહ્યા છે, એમાં 93 ટકા કેસ ઊંચી ઇમારતોમાંથી મળી રહ્યા છે. ખાસ કરીને અંધેરી (પૂર્વ), અંધેરી (પશ્ચિમ) તથા બાંદ્રા (પૂર્વ) અને (પશ્ચિમ)માંથી વધુ કેસો મળી રહ્યા છે.

Published on: Mon, 10 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer