પોરબંદરના દરિયામાંથી 10 પાકિસ્તાની સાથે બોટ ઝડપાઈ

પોરબંદરના દરિયામાંથી 10 પાકિસ્તાની સાથે બોટ ઝડપાઈ
ગુનાહિત કૃત્ય માટે ઘૂસણખોરી થતી હતી કે કેમ એની સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ 
પોરબંદર, તા.9: છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન પાકિસ્તાનમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્ઝ સમુદ્રી માર્ગે ગુજરાતમાં લવાયું અને પકડાયું છે ત્યારે દરિયાઇ સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બનીને પેટ્રોલીંગ કરી રહી છે અને ડીસેમ્બરમાં પાક બોટ 18 ખલાસીઓ સાથેની પકડાયા પછી જાન્યુઆરીમાં પણ  આ સીલસીલો યથાવત રહ્યો છે અને પોરબંદર નજીકના દરિયામાંથી એક યાસીન પાકિસ્તાની બોટ 10 ખલાસીઓ સાથે કોસ્ટગાર્ડે પકડી પાડી છે અને પોરબંદર લાવવામાં આવતા સુરક્ષા એજન્સીઓએ તેની આકરી પૂછપરછ હાથ ધરી છે. 
આંતરરાષ્ટ્રીય દરિયાઇ જળસીમા નજીક કોસ્ટગાર્ડની અંકિત નામની શીપ પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે 8 જાન્યુઆરીની મોડી રાત્રે ભારતીય દરિયાઇ જળસીમામાં એક શંકાસ્પદ ફીશીંગ બોટ ઘુસી ગઇ હોવાનું ધ્યાને આવતા ત્યાં પહોંચીને તપાસ કરવામાં આવતા તે બોટ પાકિસ્તાનની હોવાનું બહાર આવતા સુરક્ષા એજન્સી ચોંકી ઉઠી હતી. અંકિત શીપના સુરક્ષા એજન્સીના જવાનોએ આ બોટના ખલાસીઓની આગવી ઢબે પૂછપરછ કરતા 10 જેટલા પાકિસ્તાનીઓએ એવું ગાણું ગાયું હતું કે તેઓ પાકિસ્તાનની ફીશીંગ કરવા નીકળ્યા હતા અને ભૂલથી ભારતીય દરીયાઇ જળસીમામાં પહોંચી ગયા છે. 
કોસ્ટગાર્ડના અધિકારીઓને બોટમાં પરંતુ કશુંક વાંધાજનક મળી આવ્યું ન હતું. આ બોટને પોરબંદર ખાતે લાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને તેને પોરબંદર લવાયા બાદ જુદી જુદી સુરક્ષા એજન્સીઓએ જોઇન્ટ ઇન્વેસ્ટીગેશન કર્યું હતું અને તેઓ ભૂલથી જ અહીંયા ઘુસી ગયા છે કે પછી હકીકતમાં કોઇ ગુનાઇત પ્રવૃત્તિ માટે આવ્યા હતા ? તે અંગેની આગળની પૂછપરછ હાથ ધરવામાં આવશે.

Published on: Mon, 10 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer