કોરોના : મહારાષ્ટ્રમાં ધર્મસ્થળો અને શરાબની દુકાનો પર નિયંત્રણો

કોરોના : મહારાષ્ટ્રમાં ધર્મસ્થળો અને શરાબની દુકાનો પર નિયંત્રણો
સલૂન અને જિમ નિયમપાલન સાથે ચાલુ રહેશે
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 9 : જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં મુંબઈમાં રોજના 40 હજાર જેટલા કોરોનાના કેસો આવી શકે છે, એમ પાલિકાના અતિરિક્ત કમિશનર સુરેશ કાકાણીએ આજે જણાવ્યું હતું. પાલિકાની આવી આગાહી સાથે રાજ્ય સરકારે પણ આજથી અમલમાં આવનારા કોરોનાને રોકવા સંબંધી નિયમોમાં કેટલાક ફેરફારો સૂચવ્યા છે. આ પ્રમાણે જિમ અને સલૂનો પણ જરૂરી નિયંત્રણો સાથે ખુલ્લાં રાખી શકાશે. રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ જણાવ્યું હતું કે, ભીડને એકઠી થતી ટાળવા ધર્મસ્થળો અને શરાબની દુકાનો પર નિયંત્રણો લદાશે, આજકાલમાં આ સંબંધી માર્ગદર્શિકા જાહેર કરાશે
મહારાષ્ટ્રમાં કોરોનાના પ્રકોપને કાબૂમાં લેવા સરકારે શનિવારે ઢગલાબંધ અંકુશો લાદવાની જાહેરાત કરી એના એક દિવસ બાદ રાજ્યના આરોગ્યપ્રધાન રાજેશ ટોપેએ કહ્યું હતું કે, હવે ધીરે ધીરે ધર્મસ્થાનકો અને દારૂની દુકાનો પર પણ અમુક પ્રતિબંધો લાદવામાં આવશે. ધર્મસ્થાનકો, દારૂની દુકાનોમાં થતી ભીડને કાબૂમાં લેવા આ પ્રતિબંધો મુકાશે. 
બ્યૂટી સલૂન અને જીમ ચાલુ રહેશે 
મહારાષ્ટ્ર સરકારે કોરોનાને નાથવા શનિવારે વધારાના પ્રતિબંધો લાદવાનો જે નિર્ણય જાહેર કર્યો હતો, એમાં સુધારો જાહેર કર્યો હતો.  સુધારિત આદેશ મુજબ જીમ અને બ્યુટી સલૂન પણ 50 ટકાની ક્ષમતા સાથે ઓપરેટ કરી શકે. જુના આદેશમાં જીમ અને બ્યૂટી સલૂન સોમવારથી બંધ કરવાનો આદેશ અપવામાં આવેલો. જોકે, હેર સલૂનને ખુલ્લા રહેવાની છૂટ આપવામાં આવેલી. 
સુધારિત આદેશમાં જણાવાયું હતું કે બ્યુટી સલૂનને હવે હેરકાટિંગના સલૂનના વર્ગમાં મૂકવામાં આવ્યું છે. હેર કાટિંગ સલૂન માટે જે નિયમો જાહેર કરાયા છે એ નિયમો બ્યૂટી સલૂનને પણ લાગુ પડશે. હેરકાટિંગ સલૂનની જેમ બ્યૂટી સલૂન પણ રાત્રે દસથી સવારે સાત સુધી બંધ રહેશે અને કોરોના સંબંધેના તમામ નિયમો ચૂસ્તપણે પાળશે. 
દરમિયાન, સરકારે શનિવારે જે પ્રતિબંધો જાહેર કર્યા હતા એનો અમલ સોમવારથી (આજથી) શરૂ થશે. સરકારે રાત્રે 11થી સવારે પાંચ સુધી કર્ફ્યુ લાદ્યો છે. માત્ર આવશ્યક કામ માટે જ બહાર નીકળી શકાશે. એ ઉપરાંત ટિકિટ હશે તો ઍરપૉર્ટ, બસ સ્ટેશન કે રેલવે સ્ટેશન જઈ શકાશે. સ્વામિંગ પુલ, સ્પા અને વેલનેસ સેન્ટરો સોમવારથી બંધ રહેશે. ખાનગી અૉફિસોમા સ્ટાફની મર્યાદા 50 ટકા રાખવાની સલાહ સરકારે આપી છે. 
રસીનો બે ડૉઝ લેનાર જ અૉફિસમાં હાજરી શકશે. લગ્નમાં 50 મહેમાનોની મર્યાદા, અંતિમવિધિમા 20 ડાઘુ જ હાજરી આપી શકશે, જ્યારે અન્ય સમારંભોમા 50 લોકો હાજર રહી શકશે. શાપિંગ મૉલ, માર્કેટ કોમ્પ્લેક્સ 50 ટકાની ક્ષમતા સાથે સવારે આઠથી રાત્રે દસ સુધી જ ઓપરેટ કરશે. 

Published on: Mon, 10 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer