મુખ્ય પ્રધાનો સાથે બેઠક બોલાવવાનો નિર્દેશ

મુખ્ય પ્રધાનો સાથે બેઠક બોલાવવાનો નિર્દેશ
કોરોના : વડા પ્રધાને યોજી ઉચ્ચ સ્તરીય બેઠક
રસીકરણ અભિયાન તેજ કરો, લોકોને સતર્ક રહેવા અપીલ
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 9 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે દેશમાં કોરોના મહામારીની સ્થિતિની સમીક્ષા કરવા અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. વડાપ્રધાને દેશમાં કોવિડ-19 મહામારીની સમીક્ષા બેઠકમાં ઓમિક્રોન વેરિયન્ટની સાથે કોરોનાના વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખી તૈયારીઓ પર ખાસ ધ્યાન આપવાનો આદેશ આપ્યો હતો. તેમણે દેશની કોવિડ-19 મહામારીની સ્થિતિ, સ્વાસ્થ્ય અંગેની મૂળભૂત સુવિધા અને લૉજિસ્ટિક અંગેની તૈયારીઓ, દેશમાં રસીકરણ અભિયાનની સ્થિતિ અને કોવિડ-19ના નવા વેરિયન્ટ ઓમિક્રોનનું મૂલ્યાંકન કરવા પર ખાસ ભાર મુક્યો હતો. બેઠકમાં આરોગ્ય વિભાગના સેક્રેટરી દ્વારા હાલ વિશ્વભરમાં કેસમાં થઈ રહેલા વધારા અંગેનો વિસ્તૃત અહેવાલ રજૂ કર્યો હતો. 
વડાપ્રધાન કાર્યાલય દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવાયું છે કે સમીક્ષા બેઠક દરમિયાન, વડાપ્રધાને જિલ્લા સ્તરે સ્વાસ્થ્ય અંગેની મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની આવશ્યકતા પર ભાર મુક્યો હતો. તેમણે અધિકારીઓને આ અંગે રાજ્યો સાથે સમન્વય સાધવા જણાવ્યું હતું.  વડાપ્રધાને મિશન મોડમાં કિશોરો માટે વૅક્સીન અભિયાન ઝડપી બનાવવા પર ભાર મુક્યો હતો. વડાપ્રધાને આદેશ આપતા કહ્યું કે જે ઝોનમાં સૌથી વધુ કેસ મળી રહ્યા છે ત્યાં કડક નિયંત્રણો અને ખાસ નજર રાખવી જરૂરી છે અને હાલ સૌથી વધુ કેસ હોવાનો અહેવાલ આપતા રાજ્યોને જરૂરી ટેક્નિકલ સહાય પૂરી પાડવી જોઇએ.
દરમિયાન, વડાપ્રધાન મોદીએ કહ્યું કે, રાજ્યો સાથે સાર્વજનિક સ્વાસ્થ્ય અંગે ચર્ચા કરવા મુખ્યપ્રધાન સાથે બેઠકનું આયોજન કરવામાં આવે. અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 24 ડિસેમ્બરે પણ આ પ્રકારની બેઠક યોજી હતી. જોકેત્યાર બાદ દેશમાં મહામારીની પરિસ્થિતિ ઘણી બદલાઈ છે. ભારતમાં કોરોનાના દૈનિક કેસોમાં ભારે વધારો થઈ રહ્યો છે. ઘણા શહેરોમાં ઓમિક્રોન વેરિયન્ટના પણ સેંકડો કેસ નોંધાઈ રહ્યા છે.
આ બેઠક એટલા માટે પણ મહત્ત્વની છે કે જાન્યુઆરીના અંતમાં શરૂ થનારા સંસદના બજેટ અધિવેશન પૂર્વે લોકસભા અને રાજ્યસભા સચિવાલયમાં કાર્યરત ચારસોથી વધુ કર્મચારીઓ કોવિડ-19 પોઝિટિવ હોવાનું જણાયું છે. સૂત્રના જણાવ્યા મુજબ, રાજ્યસભા સચિવાલયના 65 કર્મચારી, લોકસભા સચિવાલયના બસો ઉપરાંત અન્ય ડિપાર્ટમેન્ટના 133 કર્મચારીઓ 4થી 8 જાન્યુઆરી દરમિયાન નિયમિત ટેસ્ટ દરમિયાન કોવિડ-િ9 પોઝિટિવ હોવાનું જણાયું હતું.
એટલું જ નહીં, ચૂંટણી પંચે શનિવારે જ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી હોવાથી આ બેઠકનું મહત્ત્વ વધી જાય છે.

Published on: Mon, 10 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer