ન્યૂ ઝીલૅન્ડના 6/521 ડિકલેરના જવાબમાં

બાંગ્લાદેશનો 126 રનમાં ધબડકો કપ્તાન લાથમની બેવડી અને કોન્વેની વધુ એક સદી
ક્રાઇસ્ટચર્ચ તા.10: કાર્યવાહક કપ્તાન ટોમ લાથમના રેકોર્ડ 252 રન અને કરિશ્માઇ બેટધર ડવેન કોન્વેની વધુ એક સદી (109) બાદ ટ્રેંટ બોલ્ટની ઘાતક બોલિંગની મદદથી બીજા ટેસ્ટમાં ન્યુઝીલેન્ડની ટીમે પ્રવાસી બંગલા દેશ સામે સંપૂર્ણ વર્ચસ્વ જમાવ્યું છે. મેચના બીજા દિવસે ન્યુઝીલેન્ડના પહેલા દાવમાં 6 વિકેટે 521 રને ડિકલેરના જવાબમાં બંગલાદેશની ટીમનો 126 રનમાં ધબડકો થયો હતો. તેના આઠ બેટસમેન ડબલ ડિઝિટ સુધી પણ પહોંચી શકયા ન હતા. બોલ્ટે 43 રનમાં 5 વિકેટ લીધી હતી અને કેરિયરની 300 વિકેટ પણ પૂરી કરી હતી. બંગલાદેશની 4 વિકેટ સાત ઓવરની અંદર 11 રનમાં ડૂલ થઇ ગઇ હતી. પહેલા ટેસ્ટની ઐતિહાસિક જીત બાદ બીજા ટેસ્ટમાં બાંગલાદેશની ટીમ પાણીમાં બેસી ગઇ હતી. પહેલા દાવમાં 126 રને ઓલઆઉટ થવાથી તે બીજા દિવસના અંતે ન્યુઝીલેન્ડથી 395 રન પાછળ છે.
આવતીકાલે મેચના ત્રીજા દિવસે કિવિઝ ટીમ બાંગલાદેશને ફોલોઓનની ફરજ પાડી શકે છે.બાંગલાદેશ તરફથી ઇબાદત હુસેન આજના દિવસની આખરી બોલ પર આઉટ થયો હતો. તેણે પપ અને નૂરલ હસને 41 રન કર્યાં હતા.
ટોમ લાથમે 305 દડામાં 34 ચોકકા-2 છકકાથી 252 રન કર્યાં હતા. તેના કોન્વે વચ્ચે બીજી વિકેટમાં 215 રનની ભાગીદારી થઇ હતી. કોન્વેએ તેના પાંચમા ટેસ્ટમાં ત્રીજી સદી ફટકારી હતી અને 106 રન કર્યાં હતા. આખરી ટેસ્ટ રમી રહેલ રોસ ટેલર 28 રને આઉટ થયો હતો. કિવિઝ તરફથી બોલ્ટની પ અને સાઉધીની 3 વિકેટ રહી હતી. જેમિસને 2 વિકેટ મળી હતી.
Published on: Tue, 11 Jan 2022

© 2022 Saurashtra Trust