દ. આફ્રિકામાં સરજમીં પર પહેલીવાર શ્રેણી વિજયનું ભારતનું લક્ષ્ય

દ. આફ્રિકામાં સરજમીં પર પહેલીવાર શ્રેણી વિજયનું ભારતનું લક્ષ્ય
આજથી કેપટાઉનમાં ત્રીજી નિર્ણાયક ટેસ્ટ
કપ્તાન કોહલીની વાપસી નિશ્ચિત
મૅચ બપોરે 1-30થી શરૂ થશે
કેપટાઉન, તા.10: કપ્તાન વિરાટ કોહલીની સંભવિત વાપસીના સહારે ટીમ ઇન્ડિયા દ. આફ્રિકા વિરૂધ્ધ તેમની સરજમીં પર પહેલીવાર ટેસ્ટ શ્રેણી જીતવાના મજબૂત ઇરાદે મંગળવારથી મેદાને પડશે. બીજી તરફ બીજા ટેસ્ટની શાનદાર જીતથી આફ્રિકાની ટીમ પણ મજબૂત મનોબળ સાથે મેદાને પડશે અને ભારત સામે સરજમીં પર શ્રેણી વિજયનો રેકોર્ડ અકબંધ રાખવા માંગશે. ભારતીય કપ્તાન કોહલી પીઠના દર્દને લીધે બીજા ટેસ્ટમાં રમી શકયો ન હતો. કેપટાઉનના ન્યૂલેંડસર મેદાન પર ટ્રેનિંગ સત્ર દરમિયાન મળેલા સંકેતો અનુસાર કોહલીની ત્રીજા ટેસ્ટમાં વાપસી લગભગ નિશ્ચિત છે. આથી હનુમા વિહારીને ભારતીય ઇલેવનની બહાર થવાનો વારો આવશે. ત્રણ મેચની શ્રેણી હાલ 1-1ની બરાબરી પર છે. આથી આ ફાઇનલ સમાન ત્રીજા મેચમાં બન્ને ટીમ એડી ચોટીનું જોર લગવાશે. મેચ ભારતીય સમય અનુસાર મંગળવારે બપોરે 1-30થી શરૂ થશે.
કોહલી તેનો 99મો ટેસ્ટ તેની પુત્રી વામિકાના પહેલા જન્મદિનના મોકા પર રમી રમશે. આથી તેનો ઇરાદો હશે કે તે આ મેચને યાદગાર બનાવે અને ટીમની જીત સાથે ફોર્મમાં વાપસી કરે. દ. આફ્રિકાની ધરતી પર ત્રણ દશકમાં પહેલી શ્રેણી જીતથી નિશ્ચિત રીતે કોહલીનું નામ શ્રેષ્ઠ કપ્તાનોમાં સામેલ થઇ જશે. જો કે આ માટે ભારતે તેનું બેટિંગ પ્રદર્શન સુધારવું પડશે. કેપટાઉનમાં પહેલી ઇનિંગમાં 300 ઉપરનો સ્કોર કરવો અતિ મહત્ત્વનો બની રહેશે. કપ્તાન કોહલી અને બે મુખ્ય મીડલ ઓર્ડર બેટસમેન પુજારા અને રહાણેએ મોટી ઇનિંગ રમવી પડશે. કેએલ રાહુલ અને મયંક અગ્રવાલે પણ ટીમને સારી શરૂઆત આપવી પડશે. બીજા ટેસ્ટમાં ભારતીય ઝડપી બોલરો આફ્રિકાને 240 રનના વિજય લક્ષ્યાંક સામે અટકાવી શકયા ન હતા. બધા ભારતીય બોલરો સામે એકલો આફ્રિકી કેપ્ટન ડિન એલ્ગર ભારે પડયો હતો. તેણે અણનમ 96 રન કરીને આફ્રિકાને આસાનીથી 7 વિકેટે વિજય અપાવ્યો હતો. 
ન્યૂલેન્ડસની વિકેટ પણ વોન્ડરર્સ જેવી ઝડપી બોલરોને યારી આપે તેવી છે. જેના પર બુમરાહ અને શમીએ મેચ વિનિંગ દેખાવ કરવો પડશે. વિકેટકીપર ઋષભ પંતે પણ તેની આક્રમકતા પર લગામ મુકવી જરૂરી છે. ન્યૂલેન્ડસની ગ્રીન ટોપ પિચ પર રબાડા, ઓલિવિયર, એન્ડિગી અને જેનસન સામે ભારતીય બેટધરોની કસોટી નિશ્ચિત છે. પુજારા અને રહાણે જો આ ટેસ્ટમાં નિષ્ફળ રહેશે તો તેમની કેરિયર જોખમમાં આવી જશે. ઝડપી બોલર મોહમ્મદ સિરાઝ ઇજાને લીધે ત્રીજા ટેસ્ટની બહાર હશે. તેના સ્થાને ઇશાંત શર્મા અને ઉમેશ યાદવની પસંદગી કીંગ-ક્રોસ સમાન છે.
બીજી ટેસ્ટમાં બુમરાહ અને શમી આફ્રિકાના બેટધરોને બીજી ઇનિંગમાં શોર્ટ પિચ બોલથી પરેશાન કરી શકયા ન હતા. ઇશાંત શર્માને તેની હાઇટને લીધે લગભગ તક મળી શકે છે. જોહાનિસબર્ગમાં પહેલા દાવમાં 7 વિકેટ લેનાર શાર્દુલ ઠાકુર પાસેથી ટીમને ફરી ચમત્કારિક પ્રદર્શનની આશા રહેશે.
બીજી તરફ આફ્રિકાના બોલરો બીજા ટેસ્ટ પછી શાનદાર ફોર્મમાં છે. કપ્તાન એલ્ગર સહિતના ટોપ ઓર્ડરના બેટસમેનો પણ બીજા મેચની જીતથી આત્મવિશ્વાસથી ઓતપ્રોત છે. આથી ત્રીજા અને નિર્ણાયક ટેસ્ટમાં બન્ને ટીમનું પલડું સમાન છે.
Published on: Tue, 11 Jan 2022

© 2022 Saurashtra Trust