મુંબઈ, તા. 10 : રિઝર્વ બૅન્ક અૉફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ભૂતપૂર્વ ગર્વનર ઊર્જિત પટેલની નિમણૂક બીજિંગની એશિયા ઈન્ફ્રાસ્ટ્રકચર ઈન્વેસ્ટમેન્ટ બૅન્કના વાઈસ પ્રેસિડેન્ટપદે થઈ છે.
પટેલની નિમણૂક ત્રણ વર્ષ માટે થઈ છે. તેઓ ગુજરાતના ભૂતપૂર્વ સચિવ ડી. જે. પાંડીઅનનું સ્થાન લેશે. ઊર્જિત પટેલની જવાબદારી દક્ષિણ અને અગ્નિ એશિયામાં બૅન્કની સરકારી અને ખાનગી ધિરાણનાં કામકાજના સંચાલનની રહેશે.
ઊર્જિત પટેલે વર્ષ 2018માં અંગત કારણોસર આરબીઆઈના ગર્વનરપદેથી રાજીનામું આપ્યું હતું. બાજિંગમાં એશિયન ઈન્ફ્રાસ્ટ્રકચર ઈન્વેસ્ટમેન્ટ બૅન્કની સ્થાપના વર્ષ 2015માં થઈ હતી. આ બૅન્કે ચીનની અન્ય બૅન્કોની સરખામણીએ સૌથી વધુ લોન ભારતને આપી છે. બૅન્કનું સૌથી મોટું શૅરહોલ્ડર ચીન છે, તે પછી ભારત બીજા ક્રમે છે. જોકે, બૅન્કના 104 સભ્યોમાં અમેરિકા અને જપાન નથી. એશિયન ઈન્ફ્રાસ્ટ્રકચર ઈન્વેસ્ટમેન્ટ બૅન્કે ભારતના 28 પ્રોજેક્ટ્સ માટે અત્યાર સુધીમાં 6.7 અબજ ડૉલરની લોન આપી છે.
Published on: Tue, 11 Jan 2022
ભૂતપૂર્વ ગવર્નર ઊર્જિત પટેલ એઆઈઆઈબીમાં જોડાયા
