વેપારીઓ માટે વીમા કવચ અને સસ્તું ધિરાણ આપવાની દરખાસ્તો

વેપારીઓ માટે વીમા કવચ અને સસ્તું ધિરાણ આપવાની દરખાસ્તો
આગામી રિટેલ ટ્રેડ પૉલિસીમાં  
મુંબઈ, તા. 10 : સરકાર દ્વારા ટૂંક સમયમાં જાહેર થનારી નાના વેપારીઓ માટેની નીતિમાં વેપારીઓને ચોરી, અકસ્માત અથવા કુદરતી આફતો સામે વીમા કવચ આપવાની દરખાસ્ત છે. 
ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન અૉફ ઈન્ડસ્ટ્રી ઍન્ડ ઈન્ટરનલ ટ્રેડ (ડીપીઆઈઆઈટી)  દ્વારા જાહેર થનારી પ્રસ્તાવિત નીતિમાં વેપારીઓને ઓછા વ્યાજદરે ધિરાણ, ડિજિટલ વેપાર પદ્ધતિ અપાવવા માટે મદદ અને જરૂરી માળખાકીય સહાય પૂરી પાડવાની દરખાસ્તનો પણ સમાવેશ હશે, એમ એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું.  
આ નીતિનો ધ્યેય  ઈ-કૉમર્સ સામે તીવ્ર સ્પર્ધાનો સામનો કરી રહેલા વેપારીઓને મદદરૂપ થવાનો છે.  બીજી બાજુ,  કેટલીક મોટી ઈ-કૉમર્સ કંપનીઓ ભારતમાં વિદેશી ભંડોળ ગેરકાયદેસર રીતે  લાવતી હોવાનો આક્ષેપ વારંવાર થઇ રહ્યો હોવાથી સરકાર ઈ-કૉમર્સ ક્ષેત્ર  ઉપરનાં નિયંત્રણો કડક બનાવવા માગે છે. સૂચિત રિટેલ ટ્રેડ પૉલિસીમાં તેમને નિયમનમાં લાવવા માટેનાં સૂચનો હોઈ શકે છે.  
કૉન્ફેડેરેશન અૉફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (સીઆઈઆઈ) અને વૈશ્વિક કન્સલ્ટન્સી કંપની કિઅર્નીના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારતીય અર્થતંત્રમાં રિટેલ ક્ષેત્ર એ ત્રીજા ક્રમનું સૌથી મોટું ક્ષેત્ર છે. દેશના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)માં આ ક્ષેત્રનો ફાળો 12 ટકાથી પણ વધુ છે. આ ક્ષેત્રમાં હાલ પાંચ કરોડથી પણ વધુ લોકોને રોજગારી પૂરી પાડે  છે.  
એક  અધિકારીએ કહ્યું કે પ્રસ્તાવિત રાષ્ટ્રીય  રિટેલ ટ્રેડ પૉલિસીનો હેતુ કરિયાણાની દુકાનોને મદદરૂપ બનવા સાથે રિટેલ  વેપારીઓને પ્રોત્સાહન આપવાનો છે. આ માટે વેપારીઓને લેવા પડતા લાઈસન્સની સંખ્યા ઘટાડવાની અને તેમને અન્ય જોગવાઇઓના પાલનમાં પણ રાહત આપવાનો પ્રસ્તાવ છે.
પૉલિસીનું મુખ્ય લક્ષ્ય 
* પરંપરાગત કરિયાણા દુકાનોમાં ડિજિટલ વ્યવહાર લાવવો  
* વેપારીને નિયમપાલનોમાં રાહત આપી તેમને ધંધો કરવાની સરળતા વધારવી  
* વેપારીઓને સસ્તા ધિરાણની ઉપલબ્ધી 

Published on: Tue, 11 Jan 2022

© 2022 Saurashtra Trust