મુંબઈમાં નોંધાયું દાયકાનું સહુથી ઓછું ઉષ્ણતામાન

આગામી ત્રણથી ચાર દિવસ રહેશે ઠંડીનું જોર
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 10 : ઉત્તર ભારતમાં તીવ્ર શીત લહેર અને સતત થતી બરફવર્ષાની અસરને લીધે મુંબઈમાં આજે દાયકાનું સહુથી ઓછું 13.2 અને 25.1 ડિગ્રી સેલ્સિયસ ઉષ્ણતામાન નોંધાયું છે. મુંબઈમાં આગામી ત્રણથી ચાર દિવસ ઠંડીનું જોર યથાવત્ રહેશે.
હવામાન સંસ્થા - `સ્કાયમેટ'એ આપેલી માહિતી અનુસાર સાંતાક્રુઝમાં આજે 13.2 ડિગ્રી સેલ્સિયસ ઉષ્ણતામાન નોંધાયું હતું.
મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં ઉષ્ણતામાનમાં પાંચ ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો હતો. ઉત્તર ભારતમાં છેલ્લા કેટલાક દિવસથી તીવ્ર ઠંડીની લહેર જોવા મળી રહી છે. તેના કારણે ઉત્તર ભારત તરફથી દક્ષિણ તરફ ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. આ સ્થળે સતત હિમવર્ષા થઈ રહી છે. તેના કારણે મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ઠંડીનું જોર વધ્યું છે. એમ `સ્કાયમેટ'ના હવામાન શાસ્ત્રી મહેશ પાલાવતે જણાવ્યું હતું.
ભારતીય હવામાન ખાતા અને કોલાબા વેધશાળાએ આપેલી માહિતી અનુસાર સાંતાક્રુઝમાં આજે લઘુતમ ઉષ્ણતામાન 13.2 ડિગ્રી અને 25.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તે સરેરાશ કે રાબેતા મુજબના ઉષ્ણતામાનમાં છ ડિગ્રી સેલ્સિયસ જેટલો ઘટાડો દેખાડે છે.
કોલાબા વેધશાળા દ્વારા આજે બહાર પાડવામાં આવેલી અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે આગામી 24 કલાકમાં મહત્તમ ઉષ્ણતામાન 26 ડિગ્રી અને લઘુતમ ઉષ્ણતામાન 12 ડિગ્રી સેલ્શિયસ રહેશે. આકાશ મુખ્યત્વે ચોખ્ખું રહેશે. ઉપરાંત આજે કોલાબામાં મહત્તમ ઉષ્ણતામાન 25.7 ડિગ્રી અને લઘુતમ ઉષ્ણતામાન 15.2 ડિગ્રી તેમ જ સાંતાક્રુઝમાં મહત્તમ ઉષ્ણતામાન 25.1 ડિગ્રી અને લઘુતમ ઉષ્ણતામાન 13.2 ડિગ્રી નોંધાયું હતું.
Published on: Tue, 11 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer