એક દિવસમાં 9007 ઓછાં ટેસ્ટ, નવા કોરોના સંક્રમિતો 5826 ઘટયા

મુંબઈમાં 59,242 ટેસ્ટમાં મળ્યા વધુ 13,648 કોરોના સંક્રમિતો
27,214 દરદીને અપાયો ડિસ્ચાર્જ
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 10 : સોમવારે મુંબઈમાંથી કોરોનાના 13,648 નવા કેસ મળ્યા હતા અને એ સાથે શહેરમાંથી અત્યાર સુધી મળેલા કોરોનાગ્રસ્તોની કુલ સંખ્યા 9,28,220 થઈ ગઈ છે. મુંબઈમાં અત્યારે 1,03,862 દરદીઓ સારવાર લઈ રહ્યા છે. જે નવા દરદી મળ્યા હતા એમાંથી માત્ર 798 દરદીને જ હૉસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. બાકીના હોમ ક્વૉરન્ટાઈન કરાયા છે. 
મુંબઈમાં ગુરુવારથી 20 હજારથી વધુ કેસ મળી રહ્યા છે, પણ સોમવારે કેસમાં 5826 જેટલા ઓછા કેસ મળતા પાલિકાના અધિકારીઓએ નિરાંતનો દમ લીધો હતો. 
રવિવારે મુંબઈમાંથી 19,474, શનિવારે 20,318, શુક્રવારે 20,971, ગુરુવારે 20,181 અને બુધવારે 15,166 નવા દરદી મળ્યા હતા. 
છેલ્લા 24 કલાકમાં પાંચ કોરોનાગ્રસ્તનાં મૃત્યુ થતાં શહેરનો મરણાંક 16,411 પર પહોંચી ગયો હતો. 
શહેરમાં છેલ્લા 24 કલાકમાં 27,214 દરદીઓને રજા આપવામાં આવી હતી. એ સાથે અત્યાર સુધી કુલ 8,05,333 દરદી સાજા થઈને ઘરે ગયા છે. 
મુંબઈનો રિક્વરી રેટ 87 ટકા છે જ્યારે ડબાલિંગ રેટ 37 દિવસનો થઈ ગયો છે. જ્યારે સાપ્તાહિક ગ્રોથ રેટ 1.81 ટકા છે. મુંબઈમાં અત્યારે 168 બિલ્ડિંગો પાલિકાએ સીલ કરી છે. જ્યારે ચાલ-ઝૂંપડપટ્ટી સીલની સંખ્યા 30ની છે. છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં 59,242 ટેસ્ટ કરવામાં આવી હતી. એ સાથે મુંબઈમાં અત્યાર સુધી કુલ 1,42,63,047 ટેસ્ટ કરાઈ છે. 
પાલિકાએ કહ્યું હતું કે કોરોનાના કુલ 35,266 બૅડમાંથી અત્યારે માત્ર 7408 બૅડ ભરાયેલા છે. બીજી રીતે કહીએ તો 21 ટકા ખાટલા દરદીથી ભરેલા છે. સોમવારે મળેલા નવા દરદીમાંથી 46 નવા પેશન્ટોને અૉક્સિજન પર રાખવામાં આવેલા. એ ઉપરાંત જે નવા દરદી મળેલા એમાં 11,328 (83 ટકા)માં કોરોનાનાં કોઈ લક્ષણો નહોતાં.
મુંબઈમાં રવિવારની સરખામણીમાં 9007 જેટલાં ઓછાં ટેસ્ટ કરવામાં આવ્યાં છે. તેની સરખામણીમાં નવા કોરોના સંક્રમિતોની સંખ્યા 5826 જેટલી ઘટી છે.
મહારાષ્ટ્રમાં કોરોનાના 33,470 નવા કેસ મળ્યા 
મહારાષ્ટ્રમાંથી સોમવારે કોરોનાના નવા 33,470 કેસ મળી આવ્યા હતા. એ સાથે રાજ્યમાં અત્યાર સુધી કુલ 69,53,514 મળી આવ્યા છે. રાજ્યમાં અત્યારે 2,06,046 દરદી સારવાર હેઠળ છે. 
રવિવારે રાજ્યમાંથી 44,388, શનિવારે 41,434, શુક્રવારે 40,925, ગુરુવારે 36,265 અને 
બુધવારે 26,538 નવા કેસ મળ્યા હતા. 
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં આઠ કોરોનાગ્રસ્તોના મૃત્યુ થયા હતા. એ સાથે રાજ્યમાં અત્યાર સુધી કોરોનાને લીધે 1,41,647 મૃત્યુ થયા છે.   
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 29,671 કોરોનાગ્રસ્તોને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. એ સાથે રાજ્યમાં અત્યાર સુધી સાજા થઈને ઘરે ગયેલા દરદીઓની સંખ્યા 66,02,103 થઈ ગઈ છે. 
રાજ્યમાં 12,46,729 લોકો હોમ ક્વોરન્ટાઈનમાં છે, જ્યારે 2505 લોકો સંસ્થાકીય ક્વોરન્ટાઈનમાં છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 7,07,18,911 ટેસ્ટ કરવામાં આવી છે. 
થાણે શહેરમાંથી 2423 નવી મુંબઈમાં 2020 નવા કેસ 
સોમવારે થાણે જિલ્લામાંથી કોરોનાના 702 નવા દરદી મળ્યા હતા જ્યારે થાણે શહેરમાંથી 2423 નવા દરદી મળ્યા હતા. 
નવી મુંબઈમાંથી 2020, કલ્યાણ-ડોમ્બિવલી પાલિકામાંથી 1192, ઉલ્હાસનગરમાંથી 288, ભિવંડી-નિઝામપુરમાંથી 131, મીરા-ભાયંદર પાલિકાની હદમાંથી 940, પાલઘર જિલ્લામાંથી 109, વસઈ-વિરાર પાલિકાની હદમાંથી 778, રાયગઢ જિલ્લામાંથી 417 અને પનવેલ શહેરમાંથી 1163 નવા કેસ મળ્યા હતા. 
મહારાષ્ટ્રમાંથી ઓમિક્રોનનો 207 નવા દરદી મળ્યા 
સોમવારે મહારાષ્ટ્રમાંથી ઓમિક્રોન વાઈરસના 31 નવા પેશન્ટસ મળ્યા હતા. એ સાથે મહારાષ્ટ્રમાં અત્યાર સુધી આ ખતરનાક વાઈરસના મળેલા દરદીઓની સંખ્યા 1247 પર પહોંચી ગઈ છે. 467 દરદીઓને રજા આપી દેવામાં આવી છે. 
રવિવારે ઓમિક્રોનના જે નવા 31 દરદી મળ્યા હતા એ તમામ કેસ પુણે જિલ્લામાંથી મળ્યા હતા. પુણે જિલ્લામાંથી અત્યારે સુધી ઓમિક્રોનના કુલ 354 કેસ મળ્યા છે, જ્યારે મુંબઈમાંથી 606 કેસ મળ્યા છે. મુંબઈમાંથી મોટાભાગના દરદી ઍરપૉર્ટ પર ક્રાનિંગ દરમિયાન મળ્યા છે.
Published on: Tue, 11 Jan 2022

© 2022 Saurashtra Trust