ડેલ્ટા કરતાં ઓમિક્રોન ત્રણથી પાંચ ગણો વધુ સંક્રામક

મુંબઈના તજજ્ઞ તબીબો દ્વારા તબીબી બિરાદરીને કોરોના વિશે માર્ગદર્શક સંબોધન
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા.10: કોરોના મહામારીએ ફરી એકવાર દેશમાં માથું ઉચક્યું છે અને ત્રીજી લહેરથી ચોમેર ચિંતાનાં વાદળો ઘેરાયેલા છે ત્યારે કોવિડ-19નાં આશરે 20 હજાર જેટલા દર્દીઓને સારવાર આપનાર બે મુંબઈ સ્થિત તબીબ ડૉ. ઝરીર ઉદવાદિયા અને ડૉ. તુષાર શાહે તબીબી બિરાદરીને સંબોધતા કહ્યું હતું કે, ઓમિક્રોન દુનિયાએ અગાઉ ક્યારેય ન જોયો હોય તેવો સૌથી વધુ સંક્રામક વાયરસ છે. જે ડેલ્ટા કરતાં પણ 3થી પ ગણો વધુ ચેપી છે.
આ અનુભવી અને તજજ્ઞ તબીબોએ કહ્યું હતું કે, અત્યારે આવી રહેલા કેસમાં 90 ટકા જેટલા કેસ ઓમિક્રોન વાયરસનાં હોઈ શકે છે. જેનાં હળવા લક્ષણમાં શ્વસનતંત્રનાં ઉપરનાં હિસ્સામાં જ સંક્રમણ હોય છે. જેનું મુખ્ય કારણ રસી અથવા તો અગાઉ થયેલા સંક્રમણનાં કારણે આવેલી પ્રતિકાર શક્તિ હોઈ શકે છે. વેક્સિનથી ઓમિક્રોન સામે રક્ષણ નથી મળતું પણ હોસ્પિટલમાં દાખલ થવું પડે તેવી ગંભીર અસરો સામે બચાવે છે. ઓમિક્રોનથી ફેફસાંને અસર થતી ન હોવાનાં કારણે 70 ટકા કિસ્સામાં હોસ્પિટલમાં દાખલ થવાની આવશ્યકતા ઉભી થતી નથી. માત્ર 10 ટકા કિસ્સામાં જ ઓક્સિજનની જરૂર રહે છે. 
ડૉ.તુષારે આગળ કહ્યું હતું કે, રસીનો બૂસ્ટર ડોઝ સલાહભર્યો છે અને જો શક્ય હોય તો પ્રાથમિક ડોઝ લીધા હોય તેનાં કરતાં અલગ રસીનો ડોઝ લેવો જોઈએ. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, ઓમિક્રોન સામે એન્ટીબોડી કોકટેલ વ્યર્થ છે. આ માત્ર સંપન્ન લોકોની તરંગ માત્ર છે. મોલ્નુપિરાવિર વિશે પણ તેમણે કહ્યું હતું કે, તાવ અને કફ ઓછા ન થાય તો ચોથા કે પાંચમાં દિવસે આપવી જોઈએ. 
આ તજજ્ઞો દ્વારા એવી પણ સલાહ આપવામાં આવી હતી કે સર્જિકલ અને કપડાનાં માસ્કનો ઉપયોગ બંધ કરીને માત્ર એન-9પ માસ્ક જ વાપરવા જોઈએ. એસએલઆર ડાયગ્નોસ્ટિક્સનાં ચીફ પેથોલોજિસ્ટ ડૉ.અવિનાશ ફાડકેએ પણ તબીબોને સંબોધન કર્યુ હતું અને કહ્યું હતું કે, સીટી વેલ્યુનું કોઈ મહત્ત્વ નથી. સંક્રમણની ગંભીરતાનું આકલન કરતી વખતે તેને ધ્યાને લેવી જોઈએ નહીં. ડૉ.ઉદવાદિયા અને ડૉ.તુષારે પણ તેમનાં સમર્થનમાં જણાવ્યું હતું કે, તેઓ પણ ક્યારેય સીટી વેલ્યુ જોતા નથી.
Published on: Tue, 11 Jan 2022

© 2022 Saurashtra Trust