રસી ન લેનારાઓને લોકલમાં પ્રવાસ ન કરવા દેવાનું અયોગ્ય હોવાનું અરજદારો પુરવાર કરે : હાઈ કોર્ટ

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 10 : મુંબઈ હાઈ કોર્ટે સોમવારે કહ્યું હતું કે, લોકલ ટ્રેનોમાં રસીના ડૉઝ ન લેનાર લોકોને સફર ન કરવા દેવાની મહારાષ્ટ્ર સરકારની નીતિ સંપૂર્ણપણે એકપક્ષીય અને ગેરવાજબી છે એ અરજદારોએ પુરવાર કરવું પડશે. 
મુખ્ય ન્યાયાધીશ દિપાન્કર દત્તાની બૅન્ચે કહ્યું હતું કે હાઈ કોર્ટને લાગશે કે રાજ્ય સરકારની આ નીતિ એકદમ ગેરવાજબી છે અને કોર્ટની આત્માને એ નહીં જશે તો જ સરકારની આ નીતિમાં કોર્ટ હસ્તક્ષેપ કરશે. કોર્ટે કહ્યું હતું કે, રસી એ કોરોના સામેનું એક કવચ છે અને જેમણે રસી નથી લીધી તેમની પાસે આ કવચ નથી હોતું. 
લોકલ ટ્રેનોમા રસીના બન્ને ડૉઝ લેનાર જ સફર કરી શકશે એવો આદેશ રાજ્ય સરકારે ગયા વર્ષે ઓગસ્ટમાં બહાર પાડયો હતો અને એને રદ કરવા બે મુંબઈકર ફિરોઝ મીઠીબોરવાલા અને યોહાન તેંગરાએ હાઈ કોર્ટમાં જનહિતની અરજી કરી છે. આ અરજીની સુનાવણી દરમિયાન હાઈ કોર્ટ ઉક્ત ટિપ્પણી કરી હતી. 
અરજદારોએ કોર્ટમાં એવી દલીલ કરી હતી કે રસી ન લેનારા પર મૂકવામાં આવેલી મનાઈ ભેદભાવયુક્ત છે અને એ સમાન હક્ક, હરવા-ફરવાના સ્વાતંત્ર્ય અને જીવન જીવવાના અધિકારનો ભંગ કરે છે. 
રાજ્ય સરકારે ગયા મહિને નોંધાવેલા એના સોગંદનામામાં કહ્યું છે કે આ પ્રતિબંધ એકદમ વાજબી છે અને એનાથી નાગરિકોના કોઈ બંધારણીય અધિકારનો ભંગ થતો નથી. અમે આખા રાજ્યના પાલકની ભૂમિકા ભજવીએ છીએ અને એટલે જ લોકોના ભલા માટે આ પ્રતિબંધ લાદ્યો છે. 
આ કેસની સુનાવણી હવે 17 જાન્યુઆરીના થશે.
Published on: Tue, 11 Jan 2022

© 2022 Saurashtra Trust