ઘાટકોપરના કેમિકલના કારખાનામાં ઝેરી વાયુથી એક કામદારનું મોત

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 10 : સોમવારે સવારે ઘાટકોપરની એક ફેક્ટરીમાં કેમિકલ રિએક્ટર સાફ કરી રહેલા એક કામદારના શ્વાસમાં ઝેરી વાયુ જતાં તેનું અવસાન થયું હતું અને બેની તબિયત બગડી હતી. આ ઘટના નારાયણનગર વિસ્તારમાં આવેલા કુર્લા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં સવારે 8.15 વાગ્યે બની હતી. અગ્નિશમન દળના અધિકારીઓએ કહ્યું હતું કે, કેમિકલ પ્રોસેસ માટે વપરાતા આ રિએકટરને અંદરથી સાફ કરવા ત્રણ કામદારો એની અંદર ઊતર્યા હતા. અંદર ત્રણે ઝેરી વાયુને કારણે બેભાન થઈ ગયા હતા. 
અધિકારીઓએ કહ્યું હતું કે, અમે અધિકારીઓની એક ટીમને ઘટનાસ્થળે મોકલી હતી. તેઓ બ્રાધિંગ ઉપકરણો સાથે રિએકટરમાં ઊતર્યા હતા. ત્રણે કામદારોને અર્ધ બેભાનવસ્થામાં બહાર કાઢવામાં આવ્યા હતા અને તેમને રાજાવાડી હૉસ્પિટલમાં ભરતી કરાયાં હતાં. જોકે, એકને ડૉક્ટરોએ મૃત ઘોષિત કર્યો હતો. મૃતકનું નામ રામનિવાસ સરોજ (36) છે. સારવાર હેઠળના બે કામદારોની તબિયત સ્થિર હોવાનું કહેવાય છે. 
Published on: Tue, 11 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer