મુંબઈ વિભાગમાં સૌથી વધુ કેસ પ્રલંબિત

ટ્રસ્ટના ચેન્જ રિપોર્ટ અંગે વિશેષ અભિયાન
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 10 : ટ્રસ્ટના વિવાદ રહિત ચેન્જ રિપોર્ટનો નિકાલ આણવા માટે આયોજિત 
કરવામાં આવેલા રાજ્યવ્યાપી અભિયાનમાં પુણે વિભાગે 4,120 પ્રકરણનો નિકાલ કરીને મહારાષ્ટ્રમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. બૃહદ મુંબઈમાં સૌથી વધુ કેસ પ્રલંબિત હતા. મુંબઈ વિભાગના 15,348 કેસમાંથી 2,908 કેસનો નિવેડો લવાયો છે.
સખાવતી સંસ્થાઓમાં ટ્રસ્ટીઓ બદલાય તેની નોંધ કરવા માટે ચેરિટી કમિશનર સમક્ષ રિપોર્ટ નોંધાવવો પડે છે. ચેન્જ રિપોર્ટ સામે વાંધો ન હોય તો એને વિવાદ રહિત ચેન્જ રિપોર્ટ ગણવામાં આવે છે. રાજ્યના આઠ વિભાગમાં 50,000 ચેન્જ રિપોર્ટ પ્રલંબિત હતા. રાજ્યના ચેરિટી કમિશનર પ્રમોદ તરારે ટ્રસ્ટના વિવાદરહિત ચેન્જ રિપોર્ટનો નિકાલ કરવા માટે 13થી 30 ડિસેમ્બર દરમિયાન રાજ્યવ્યાપી વિશેષ અભિયાનનું આયોજન ર્ક્યું હતું. પુણે વિભાગમાં 9,011 કેસ પ્રલંબિત હતા, જેમાંથી લગભગ 50 ટકા ચેન્જ રિપોર્ટનો નિકાલ કરાયો છે. 
વિશેષ અભિયાન અંતર્ગત પ્રલંબિત હોય એવા પરંતુ વિવાદગ્રસ્ત ન હોય એવા ચેન્જ રિપોર્ટનો નિકાલ કરવા સંદર્ભે પુણેના પબ્લિક ટ્રસ્ટ પ્રેક્ટિશનર્સ ઍસોસિએશનના વકીલોએ સકારાત્મક ભૂમિકા લઈને પક્ષકારોનું માર્ગદર્શન ર્ક્યું હતું. આથી જે સખાવતી સંસ્થાઓનો ચેન્જ રિપોર્ટ પ્રલંબિત હતો તેમના ટ્રસ્ટીઓએ તાત્કાલિક જરૂરી દસ્તાવેજોની પૂર્તિ કરીને આ અભિયાન સફળ કરવાનો પ્રયત્ન ર્ક્યો હતો. અધિકારીઓએ કાર્યપદ્ધતિ સરળ કરતાં પુણે વિભાગે પ્રથમ ક્રમાંક મેળવ્યો હોવાનું પબ્લિક ટ્રસ્ટ પ્રૅક્ટિશનર્સ એસોસિએશનના અધ્યક્ષ ઍડવોકેટ શિવરાજ પ્ર. કદમ જહાંગીરદારે જણાવ્યું હતું. બૃહદ મુંબઈમાં પેન્ડીંગ કેસ 15,348 હતા, જેમાંથી 2,908 કેસનો નિકાલ કરાયો છે.
Published on: Tue, 11 Jan 2022

© 2022 Saurashtra Trust