ઓમિક્રોનમાંથી સાજા થઈ રહેલા દર્દીઓની પીઠના દુખાવાની ફરિયાદ

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 10 : ઓમિક્રોનનાં લક્ષણો હળવા હોવાનું કહેવાય છે, પરંતુ આમાંથી સાજા થઈ રહેલા ઘણા દર્દીઓએ દિવસો સુધી શારીરિક દુખાવા અને નબળાઈની અને ખાસ કરીને કમરના દુખાવાની પણ ફરિયાદ કરી હતી.
વિક્રોલીની 32 વર્ષની નમ્રતાને ગળામાં ખરાશ, ઠંડી અને તાવનાં લક્ષણો શરૂઆતમાં દેખાયાં હતાં અને તેની સાથે તેને પગ અને પીઠમાં પણ દુખાવો થતો હતો. મને શરીરનાં અંગોમાં દુખાવો રહેતો હતો અને પેરાસિટામૉલની સાથે સાથે મારે દર્દનાશક ટીકડીઓ લેવાની ફરજ પડી હતી, એમ નમ્રતાએ જણાવ્યું હતું. અંધેરીની અન્ય એક રહેવાસીએ જણાવ્યું હતું કે `તાવની સામાન્ય દવાઓ લેવાથી તાવ અને અન્ય લક્ષણો ઘટી ગયાં હતાં, પરંતુ કમરમાં એવો દુખાવો થયો હતો જેનો અનુભવ અગાઉ કદી થયો નહોતો.'
દક્ષિણ આફ્રિકાના હેલ્થ ઇન્સ્યુટરે ઓમિક્રોનનાં લક્ષણોનું વિશ્લેષણ કર્યું હતું અને તે એવા તારણમાં આવ્યો હતો કે, ગળામાં ખારાશ કે ખીચખીચ શરૂઆતનાં લક્ષણોમાંનું એક સામાન્ય લક્ષણ છે અને આની સાથે સાથે નાક બંધ થઈ જવું અને કમરનો દુખાવો થવો તેમ જ સૂકી ઉધરસ જેવાં લક્ષણો પણ જોવા મળે છે.
ડૉક્ટર હેમંત ઠક્કરે જણાવ્યું હતું કે ઓમિક્રોનના દર્દીઓમાં શરીરનો દુખાવો, પીઠનો દુખાવો, હળવો તાવ, ગળામાં ખરાશ જેવાં ફ્લૂનાં લક્ષણો જોવા મળે છે.
જે.જે. હૉસ્પિટલના મેડિસિન વિભાગના વડા ડૉ. હેમંત ગુપ્તાએ જણાવ્યું હતું કે કેટલીક વખત એન્ટિ બાયોટિક્સ દવાઓને કારણે ગૅસ થઈ જવાથી પણ પીઠનો દુખાવો થતો હોય છે.
Published on: Tue, 11 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer