ભૂલેશ્વરની દુકાનમાં કૅશ કાઉન્ટર ઉપર બેસી નાણાં ખિસ્સામાં ભરતો કર્મચારી ઝડપાયો

ત્રણ વર્ષના ગાળામાં રૂા. 44 લાખ રૂપિયા હડપ ર્ક્યા હતા
માસિક રૂા. 17,000નો પગાર પણ બૅન્કમાં રૂા. 30 લાખનું બેલેન્સ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 10 : દિવાળી જેવા તહેવારોમાં પણ અંદાજિત વકરો થતો નહીં હોવાથી દુકાનદારને શંકા જતાં એણે દુકાનમાં સીસીટીવી કૅમેરા બેસાડયા અને આ કૅમેરા થકી એક નોકરની હાથચાલાકી પકડાઈ ગઈ હતી. ઝારખંડના આ નોકરે ત્રણ વર્ષમાં ગલ્લામાંથી થોડી થોડી રકમની ઉચાપત કરીને લગભગ 44 લાખ રૂપિયા દુકાનમાંથી ગાયબ ર્ક્યા હોવાનો દુકાનમાલિકનો આરોપ છે.
ભુલેશ્વરમાં `સપન પાપડવાલા ઍન્ડ જનરલ સ્ટોર્સ' નામની મિઠાઈ અને ડ્રાયફ્રુટની દુકાન છે. કેટલાક વર્ષ પહેલાં દુકાનના માલિક ઝારખંડથી રીતપ્રસાદ વર્માને મુંબઈ લઈ આવ્યા હતા. મિઠાઈ બનાવવામાં નિપુણ હોવાથી વર્માએ માલિકની સાથેસાથે ગ્રાહકોના મન પણ જીતી લીધા. એનું કામ જોઈને દુકાનમાલિકે એને કૅશ કાઉન્ટરની જવાબદારી સોંપી હતી. પહેલા માળે મિઠાઈ અને ડ્રાયફ્રુટ વિભાગ સંભાળતી વખતે વર્મા ગ્રાહકો પાસેથી પૈસા લેતો હતો, પરંતુ કાઉન્ટરમાં જમા કરવાને બદલે પોતાના ખિસ્સામાં નાખતો હતો. સીસીટીવી દ્વારા માલિકને એની જાણ થતાં વર્માએ તેમની માફી માગી હતી. પરંતુ બીજા દિવસથી એ ગાયબ થઈ ગયો હતો. એનો મોબાઈલ બંધ આવતા દુકાનમાલિકને શંકા આવતા એમણે આ અંગે લોકમાન્ય ટિળક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે આ બાબતે ચોરીનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસ અનેક દિવસથી વર્માનું પગેરું દાબી રહી હતી. એ ઝારખંડથી મુંબઈ આવ્યો હોવાનું જાણવા મળતાં જ પોલીસે એને અટકાયતમાં લીધો હતો. એની બૅન્ક ખાતાની વિગતો તપાસતાં એમાં લગભગ 30 લાખ રૂપિયા કરતાં વધુ રકમ હોવાનું જાણવા મળ્યું હતું. મહિનાનો પગાર 17,000 રૂપિયા હોવા છતાં એની પાસે આટલી મોટી રકમ કેવી રીતે આવી એનો વર્મા પાસે કોઈ જવાબ નહોતો.
Published on: Tue, 11 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer