દેશમાં નવા 1.79 લાખ સંક્રમિતો, ઍક્ટિવ કેસની સંખ્યા વધીને 7.23 લાખ

કોરોનાની ત્રીજી લહેરથી સાવધાન
4033ને ઓમિક્રોનની અસર, 1552 દર્દી સાજા
નવી દિલ્હી, તા. 10 : દુનિયાભરના આરોગ્ય તંત્રોને રાત-દિવસ દોડતા કરી દેનાર કોરોના મહામારીથી મુંઝાયેલું વૈશ્વિક જનજીવન હવે હાંફીને હિંમત ટકાવવા લડી રહ્યું છે. ભારતમાં ત્રીજી લહેરમાં સોમવારે સરિયામ ચોથા દિવસે એક લાખથી વધુ નવા દર્દી ઉમેરાયા છે. દેશમાં આજે 1.79 લાખથી વધુ નવા દર્દી ઉમેરાયા છે. દેશમાં આજે 1.79 લાખથી વધુ 1,79,723 નવા દર્દી સામે આવતાં કુલ દર્દીઓનો આંક 3.57 કરોડને આંબી ગયો છે, તો ઓમિક્રોન સંક્રમિતોનો આંક ચાર હજારને પાર કરી 4033 પર પહોંચી ગયો છે, જેમાંથી 1552 દર્દી સાજા થઇ ચૂક્યા છે.
દેશમાં ઉચાટ વચ્ચે મૃત્યુના મોરચે ઘટાડો આવ્યો છે. આજે વધુ 146 દર્દીને કોરોનાએ કાળના મુખમાં ધકેલી દેતાં કુલ 4,83,936 દર્દી જીવ ખોઇ ચૂક્યા છે. આજે એક જ દિવસમાં 1.33 લાખથી વધુ કેસના ઉછાળા બાદ આજની તારીખે સારવાર લેતા દર્દીઓનો આંક 7.23 લાખને આંબી ગયો છે. સક્રિય કેસોનું પ્રમાણ વધીને 2.03 ટકા થઇ ગયું છે.
દેશના વિવિધ ભાગોમાં છેલ્લા બે કલાક દરમ્યાન વધુ 46,569 દર્દી ઘાતક વાયરસ સામે જંગ જીતી જતાં કુલ 3,45,00,172 દર્દી સાજા થઇ ચૂક્યા છે. રિકવરી રેટ 96.62 ટકા છે.
સંક્રમણનો દૈનિક દર ભયજનક ઉછાળા સાથે 13.29 ટકા પર પહોંચી ગયો છે, તો સાપ્તાહિક સંક્રમણ દર પણ વધીને 7.92 ટકા થઇ ગયો છે.
રસીકરણ અભિયાનની ગતિ વધારતાં આજ સુધીમાં 151.94 કરોડ ડોઝ આપી લોકોને રસીનું સુરક્ષા કવચ આપી દેવાયું છે.
ઓમિક્રોનના 4033 કુલ દર્દીઓમાંથી સૌથી વધારે 1216 દર્દી મહારાષ્ટ્રમાં છે, રાજસ્થાનમાં 529, દિલ્હીમાં 513, કર્ણાટકમાં 441, કેરળમાં 333 દર્દી છે.
સારવાર લેતા દર્દી સવા સાત લાખ નજીક પહોંચીને 204 દિવસની ટોચે પહોંચી જતાં આરોગ્ય સેવાઓ પર ભારણ વધવા માંડયું છે.
Published on: Tue, 11 Jan 2022

© 2022 Saurashtra Trust