ધર્મસંસદમાં નફરતભર્યાં ભાષણ : સુપ્રીમ કોર્ટમાં વહેલી તકે સુનાવણી થશે

નવીદિલ્હી, તા.10: હરિદ્વારમાં ધર્મસંસદમાં નફરતભર્યાં ભાષણોનો મામલો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે. આ બારામાં સુપ્રીમ કોર્ટ જલ્દી સુનાવણી શરૂ કરવા માટે પણ તૈયાર થઈ ગઈ છે. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા(સીજેઆઇ) એન. વી. રમન્નાએ કહ્યું હતું કે, અમે આ મામલાની સુનાવણી કરીશું. અદાલતમાં વરિષ્ઠ ધારાશાત્રી કપિલ સિબલે કહ્યું હતું કે, હરિદ્વાર ધર્મસંસદમાં ઘટેલી ઘટનાઓ અંગે એક જનહિત અરજી દાખલ કરવામાં આવી છે. દેશનો નારો હવે સત્યમેવ જયતેમાંથી બદલાવીને શત્રમેવ જયતે થઈ ગયો છે.
સીજેઆઇએ કહ્યું હતું કે, અદાલત આ મામલાને ધ્યાને લેશે. આ સાથે જ કોર્ટે કહ્યું હતું કે, શું આ ઘટનામાં અગાઉ તપાસ થઈ નથી ? જેને પગલ સિબલે કહ્યું હતું કે, આમાં ફક્ત એફઆઇઆર થઈ છે. બાકી કોઈ કાર્યવાહી કે ધરપકડ થઈ નથી. આખરે સીજેઆઇએ કહ્યું હતું કે, તેઓ આ મામલો સાંભળશે. 
આ અરજીમાં કહેવામાં આવેલું છે કે, હરિદ્વારમાં 17-19 ડિસેમ્બર દરમિયાન ધર્મસંસદમાં માત્ર ભડકાઉ ભાષણો જ નહીં બલકે આખા સમુદાયની કતલ કરવાનાં ખુલ્લા આહ્વાન કરવાં સમાન ભાષણો અપાયાં હતાં. 
Published on: Tue, 11 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer