કોસ્ટલ રોડના પહેલા બોગદાનું ખોદકામ પૂર્ણ, બીજાનું કામ એપ્રિલમાં આરંભાશે

કોસ્ટલ રોડના પહેલા બોગદાનું ખોદકામ પૂર્ણ, બીજાનું કામ એપ્રિલમાં આરંભાશે
50 ટકા કામ પૂર્ણ, ડિસેમ્બર 2023માં લોકાર્પણ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 10 : મુંબઈ કોસ્ટલ રોડ બાંધકામમાં, પૅકેજ-4 હેઠળ પ્રિયદર્શિની પાર્કથી નાની ચોપાટી વચ્ચે 2.070 કિલોમીટર લંબાઈની ટનલ બંને બાજુએ બાંધવામાં આવે છે. એમાંથી મરીન ડ્રાઈવ તરફ જતા ટ્રાફિક માટે વપરાશમાં આવનારી પહેલી ટનલું ખનન 10મી જાન્યુઆરીએ પૂરું થયું છે. એ પ્રસંગે આયોજિત `અૉનલાઈન' કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા સહભાગી થયા હતા.
કોસ્ટલ રોડ પ્રોજેક્ટ મુંબઈનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે અને એમાં દરિયા નીચે બે છેડા ભેગા કરવામાં માવળા યંત્રએ મહત્વની ભૂમિકા ભજવી છે. કોસ્ટલ રોડ પ્રોજેક્ટમાં ફક્ત રસ્તો જ બાંધવામાં નહીં આવે, પરંતુ આસપાસ સુંદર જગ્યા વિકસિત કરવામાં આવશે. આ પ્રકલ્પ સામે અનેક પડકાર છે. પરંતુ મહાપાલિકાએ આ પડકાર સ્વીકારીને પ્રોજેક્ટ સાકાર કરવાનું બીડું ઝડપ્યું છે. પ્રકલ્પ પૂરો કરવા માટે રાજ્ય સરકાર તરફથી પૂરો સહયોગ મળશે એવી આ પ્રસંગે મુખ્ય પ્રધાને શુભેચ્છા આપી હતી.
મુંબઈ ઉપનગર જિલ્લા પાલકપ્રધાન આદિત્ય ઠાકરેએ જણાવ્યું હતું કે, કોસ્ટલ રોડની પહેલી ટનલનું કામ આજે પૂરું થયું એ અત્યંત મહત્વનો દિવસ છે. આ વિક્રમજનક કાર્ય છે. હવે બીજી ટનલનું કામ એપ્રિલ, 2022થી શરૂ થશે. ફક્ત ટનલ જ નહીં પરંતુ સંપૂર્ણ પ્રોજેક્ટ સમયસર પૂરો થશે, એવો વિશ્વાસ તેમણે વ્યક્ત ર્ક્યો હતો. મહાપાલિકા કમિશનર ડૉ. ઇકબાલસિંહ ચહલ અને એડિશનલ કમિશનર (પૂર્વ ઉપનગર) અશ્વિની ભીડેના માર્ગદર્શન હેઠળ કોસ્ટલ રોડ પ્રોજેક્ટનું કામ ઝડપથી થઈ રહ્યું છે. પ્રકલ્પનું લગભગ 50 ટકા કામ પૂરું થયું છે. સંપૂર્ણ પ્રકલ્પ ડિસેમ્બર 2023માં પૂરો થવાનું અપેક્ષિત છે. વિજય નિઘોટ પ્રકલ્પના મુખ્ય એન્જિનિયર છે. પ્રકલ્પની બંને ટનલ માટેનું ખોદકામ જમીનની નીચે 10થી 70 મીટર સુધી કરવામાં આવ્યું છે. પહેલી ટનલનું ખોદકામ 2021ની 11 જાન્યુઆરીએ ઉદ્ધવ ઠાકરેના હસ્તે શરૂ કરવામાં આવ્યું હતું અને એ ટનલનો એક કિલોમીટરનો તબક્કો 2021ની ચોથી સપ્ટેમ્બરે પૂરો થયો હતો.
Published on: Tue, 11 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer