શૉર્ટ સર્કિટથી લાગતી આગ નિવારવા સેલ્ફ ઇલેક્ટ્રિક અૉડિટ ડિવાઈસ

શૉર્ટ સર્કિટથી લાગતી આગ નિવારવા સેલ્ફ ઇલેક્ટ્રિક અૉડિટ ડિવાઈસ
અમારા પ્રતિનિધિ તરફતી
મુંબઈ, તા. 10 : મુંબઈમાં 80 ટકા આગ શૉર્ટસર્કિટને લીધે લાગતી હોવાનું સ્પષ્ટ થયું છે. પરંતુ હવે સેલ્ફ ઇલેક્ટ્રિક અૉડિટ ડિવાઈસની મદદથી આગ રોકવાનું શક્ય બનશે. ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાંની કુલ 20 પ્રકારની ફૉલ્ટ શોધી શકતું ઉપકરણ ઇમારતો, હૉસ્પિટલો અને સરકારી તથા ખાનગી પેઢીઓમાં બેસાડવાની પાલિકાની યોજના છે. આ ઇલેક્ટ્રિક અૉડિટ ડિવાઈસ ઇલેક્ટ્રિક ફોલ્ટ અૉટોમેટિક શોધીને સંબંધિત કંપની અને માલિકને એસએમએસ મોકલે છે. આથી તાત્કાલિક પગલાં ભરવાનું શક્ય બનશે અને જાનમાલની હાનિ અટકાવી શકાશે.
મુંબઈમાં છેલ્લા કેટલાક વર્ષોમાં 80 ટકા આગ ઇલેક્ટ્રિક શૉર્ટસર્કિટને લીધે લાગી છે. એની નોંધ લઈને પાલિકાએ મહારાષ્ટ્રના ચીફ ઇલેક્ટ્રિક અૉફિસર સાથે બેઠક યોજી હતી. એમાં ફાયર એક્ટ મુજબ ઇલેક્ટ્રિક શૉર્ટસર્કિટને લીધે લાગતી આગ રોકવા માટેના પગલાં અંગે ચર્ચા થઈ હતી. 
પાલિકાના અગ્નિશમન દળને આખા વર્ષમાં વિવિધ પ્રકારની દુઘર્ટના અંગેના લગભગ 16000 કૉલ આવે છે. એમાંથી પાંચથી છ હજાર કૉલ આગ લાગવાના હોય છે. આગ લાગવાની જાણ થતાં જ પાલિકાનું અગ્નિશમન દળ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બચાવકાર્ય શરૂ કરે છે. પરંતુ શૉર્ટસર્કિટને લીધે આગનો ભડકો થઈને મોટા પ્રમાણમાં જાનમાલની હાનિ થતી હોવાનું સ્પષ્ટ થયું છે. આથી પાલિકાના એડિશનલ કમિશનર અશ્વિની ભીડેના માર્ગદર્શન હેઠળ પાલિકાએ રાજ્યના ચીફ ઈલેક્ટ્રિક અૉફિસર સાથે બેઠક યોજી હતી જેમાં સેલ્ફ ઇલેક્ટ્રિક અૉડિટ ડિવાઈસ વિશે ચર્ચા થઈ હતી.
Published on: Tue, 11 Jan 2022

© 2022 Saurashtra Trust