અંધેરી, પાર્લા, કાંદિવલી, મલાડ અને બોરીવલી કોરોનાના હૉટસ્પોટ

અંધેરી, પાર્લા, કાંદિવલી, મલાડ અને બોરીવલી કોરોનાના હૉટસ્પોટ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 10 : મુંબઈમાં કોરોનાના દર્દીઓ ઝપાટાબંધ વધી રહ્યા છે. સતત ત્રણ દિવસથી રોજ 20,000થી વધુ દર્દીઓ મળી રહ્યા છે. પાલિકાના 24 વૉર્ડમાંથી અંધેરી (પશ્ચિમ), જુહૂ, બાન્દ્રા (પૂર્વ), અંધરી (પૂર્વ), કાંદિવલી, મલાડ, બોરીવલી, માટુંગા અને ખારમાં અઠવાડિયામાં સૌથી વધુ દર્દીઓ નોંધાયા છે. તો સેન્ડહર્સ્ટ રોડ, મરીન લાઈન્સ અને ચેમ્બુરમાં સૌથી ઓછા દર્દી નોંધાયા છે. પાલિકાએ દર્દીઓની સંખ્યા વધી રહી હોય એવા વૉર્ડ પર ધ્યાન કેન્દ્રિત ર્ક્યું છે.
મુંબઈમાં માર્ચ, 2020માં કોરોનાનો પગપેસારો થયા બાદ છેલ્લા બે વર્ષથી પાલિકા વિવિધ ઉપાયો દ્વારા કોરોનાનું સંક્રમણ અટકાવવાના પ્રયત્નો કરી રહી છે. પહેલી લહેરમાં રોજના 2,800 તો ગયા વર્ષે એપ્રિલ મહિનામાં બીજી લહેરમાં 11,500 દર્દી મળી આવતા હતા. હવે ત્રીજી લહેરમાં રોજના 20,000થી વધુ દર્દી નોંધાઈ રહ્યા છે. ઉપરાંત કેટલાક ભાગ કોરોનાના હૉટસ્પૉટ બનવાની શક્યતા છે.
આ વિભાગમાં સૌથી વધુ દર્દી
અંધેરી અને પાર્લા (પશ્ચિમ)નો સમાવેશ કરતા-કે (પશ્ચિમ) વૉર્ડમાં 12,235, બાન્દ્રા (પશ્ચિમ)નો સમાવેશ કરતા-એચ (પશ્ચિમ) વૉર્ડમાં 9,103, અંધેરી (પૂર્વ)નો સમાવેશ કરતા-કે (પૂર્વ) વૉર્ડમાં 8,269, કાંદિવલીનો સમાવેશ કરાતા-આર (દક્ષિણ) વૉર્ડમાં 5,839, મલાડનો સમાવેશ કરતા-પી (ઉત્તર) વૉર્ડમાં 5,706, બોરીવલીનો સમાવેશ કરતા-આર (મધ્ય) વૉર્ડમાં 5,523, માટુંગાનો સમાવેશ કરતા-એફ (ઉત્તર) વૉર્ડમાં 5,184 અને બાન્દ્રા (પૂર્વ)નો સમાવેશ કરતા-એચ (પૂર્વ) વૉર્ડમાં 4,877 દર્દી મળ્યા છે.
આ વૉર્ડમાં ઓછા દર્દી
સેન્ડહર્સ્ટ રોડનો સમાવેશ કરતા `બી' વૉર્ડમાં 356, મરીન લાઈન્સનો સમાવેશ કરતા `સી' વૉર્ડમાં 847 અને ચેમ્બુરનો સમાવેશ કરતા `એમ' (પૂર્વ) વૉર્ડમાં 2,084 દર્દી મળ્યા છે.
મુંબઈમાં 17 ચાલ અથવા ઝૂંપડપટ્ટી તેમજ 123 ઇમારતોને સીલ કરાઈ છે.
અઠવાડિયામાં 97,000થી વધુ દર્દી
પહેલીથી આઠ જાન્યુઆરી દરમિયાન મુંબઈમાં કુલ 97,632 દર્દી નોંધાયા છે. સૌથી વધુ દર્દી ગગનચૂંબી ઇમારતોમાં મળી રહ્યા છે. આથી પ્રતિબંધિત ક્ષેત્રમાં વધારો થઈ રહ્યો છે. ઉપનગરોમાં સૌથી વધુ પ્રતિબંધિત વિસ્તારો છે.
Published on: Tue, 11 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer