દિલ્હીમાં કોરોનાને કાબૂમાં લેવા પ્રતિબંધો વધુ આકરા બનાવાયા

દિલ્હીમાં કોરોનાને કાબૂમાં લેવા પ્રતિબંધો વધુ આકરા બનાવાયા
800 તબીબો, 1000 પોલીસ સંક્રમિત
નવી દિલ્હી, તા. 10 : ત્રીજી લહેરમાં વધુ એક આફતના અહેવાલ છે. દિલ્હીની હોસ્પિટલોમાં સંક્રમિતોની સારવાર કરતા 800 તબીબો અને 1000 જેટલા પોલીસકર્મીઓ કોરોનાની ચપેટમાં આવતાં સંક્રમિત થઇ ગયા છે. 
દિલ્હીમાં કોરોના સંક્રમણની રહેલી રફતારને નિયંત્રિત કરવા માટે દિલ્હીના એલજીએ ડીડીએમએ, સીએમ કેજરીવાલ, એમ્સ ડાયરેક્ટર રણદીપ ગુલેરિયા સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે એક બેઠક કરી હતી. આ દરમિયાન કોરોના મહામારીને રોકવા માટે ઘણાં સૂચનો ઉપર ચર્ચા કરવામાં આવી હતી. કોરોનાની ઝડપને ધ્યાને લઈને નવા પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. હવે બાર અને રેસ્ટોરાંને પણ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. 
દિલ્હીના એલજીએ કહ્યું છે કે, ડીડીએમએની બેઠકમાં રેસ્ટોરાં અને બારને બંધ કરવા અને માત્ર ટેક અવેની સુવિધાને મંજૂરી આપવામાં આવી છે. દરેક ઝોનમાં પ્રતિદિવસ માત્ર એક અઠવાડીયું બજારનાં સંચાલનની અનુમતી આપવામાં આવી છે. દિલ્હીના સ્વાસ્થ્ય વિભાગે હોસ્પિટલમાં વધારાના કર્મચારીની વ્યવસ્થા કરવા માટે અને 15-18 વર્ષનાં બાળકો માટે રસીકરણને વધારવાની સલાહ આપી છે. 
સંક્રમિત તબીબોના સંપર્કમાં આવેલા તબીબો તેમજ પેરામેડિકલ સ્ટાફ પણ આઇસોલેશનમાં છે. આમ, આરોગ્ય કર્મીઓ જ ખુદ સંક્રમણમાં સપડાતાં આરોગ્ય પ્રણાલી પર ખરાબ અસર પડી છે. રાજધાનીની હોસ્પિટલોમાં સૌથી ખરાબ હાલત એઇમ્સની છે. એઇમ્સમાં કામ કરતા 350 જેટલા તબીબ સંક્રમિત થઇ ગયા છે.
Published on: Tue, 11 Jan 2022

© 2022 Saurashtra Trust