જામનગર જતાં વિમાન પાસે ઊભેલા ટૉ ટગમાં આગ લાગી

જામનગર જતાં વિમાન પાસે ઊભેલા ટૉ ટગમાં આગ લાગી
મુંબઈ ઍરપોર્ટ પર મોટો અકસ્માત ટળ્યો
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 10 : ઍરપોર્ટ પર વિમાનને આગળ-પાછળ ખેંચવાનું કામ કરતા ટૉ ટ્રેકટર (પુશબૅક ટૉ ટગ)માં સોમવારે અચાનક આગ લાગી હતી. જોકે, આ આગને કારણે પાસે ઊભેલા વિમાનને કોઈ નુકસાન થયું નહોતું. વિમાનમાં 85 પ્રવાસી હતા. 
સવારે પોણા અગિયારની આસપાસ ઍર ઈન્ડિયાનુ વિમાન જામનગર જવાની તૈયારીમાં હતું ત્યારે પુશબૅક ટૉ ટગમાં આગ લાગી હતી. ઘટના બની ત્યારે આ વિમાન ટૉ ટગથી થોડા ફૂટ જ દૂર હતું. 
સૂત્રોએ કહ્યું હતું કે આ ટૉ ટગને વિમાન સાથે જોડવામાં આવી રહ્યું હતું ત્યારે એમાં અચાનક આગ લાગી હતી. ટૉ ટગ ઈંધણ ભરાવીને વિમાનની નજીક આવ્યું હતું.
ઍરપોર્ટની ફાયર સર્વિસે આગને માત્ર દસ મિનિટમાં જ ઓલવી હતી. આ ઘટનાને કારણે જામનગર જતું વિમાન 20 મિનિટ મોડું રવાના થયું હતું.
Published on: Tue, 11 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer