મુંબઈમાં મિની લૉકડાઉનનો અમલ શરૂ

મુંબઈમાં મિની લૉકડાઉનનો અમલ શરૂ
રાજ્યમાં વિવિધ સુવિધાઓ, સામાજિક સમારંભો પર આકરાં નિયંત્રણો
મુંબઈ, તા. 10 : મહારાષ્ટ્ર સરકારે કોવિડ-19ના વધતા કેસને પગલે નવી ગાઇડ લાઇન્સ જાહેર કરી છે જે મુજબ હવે લગ્ન સમારંભમાં માત્ર 50 જણ જ હાજર રહી શકશે. એવી જ રીતે અંતિમ સંસ્કારમાં 20 જણ અને રાજકીય કે સામાજિક કાર્યક્રમમાં 50 જણને સામેલ થવાની પરવાનગી આપી છે. એવી જ રીતે સવારે પાંચ વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી પાંચ કે તેનાથી વધુ વ્યક્તિઓને એક જ જગ્યાએ જમા થવા પર પ્રતિબંધ લગાવ્યો છે. આ પ્રતિબંધ 10 જાન્યુઆરીથી રાતના લાગુ પાડવામાં આવ્યો છે.
સરકારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું કે જરૂરી સેવાઓને બાદ કરતા રાતના 11 વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સુધી કોઈ પણ જાતની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે આવશ્યક ગતિવિધિઓ અને શિક્ષકોની પ્રશાસનિક પ્રવૃત્તિઓને બાદ કરતા સ્કૂલો અને કૉલેજો 15 ફેબ્રુઆરી સુધી બંધ રહેશે.
સરકારી અને ખાનગી અૉફિસોને ઘરથી કામ કરવાનું કહેવામાં આવ્યું છે.
સરકારી કચેરીઓને ઘરથી કામ કરવા પર જોર આપવામાં આવ્યું છે. જો અૉફિસથી જ કામ કરવું હોય તો કામકાજના કલાકો જુદા જુદા રાખવાનું કહેવામાં આવ્યું છે અને અૉફિસમાં કર્મચારીઓની સંખ્યાનું પ્રબંધન કરવાનું કહેવામાં આવ્યું છે.
સ્વિમિંગ પૂલ, જિમ, સ્પા, વેલનેસ સેન્ટર અને બ્યૂટી સલૂન સંપૂર્ણરીતે બંધ રહેશે. હેયર કટિંગ સલૂન 50 ટકા ક્ષમતા સાથે કામ કરશે. કોવિડના બે ડૉઝ લેનારાને જ મૉલમાં પ્રવેશ મળશે.
મનોરંજન પાર્ક, પ્રાણી સંગ્રહાલય અને કિલ્લા તેમ જ જ્યાં ટિકિટથી પ્રવેશ હશે તે સ્થળો બંધ રહેશે. શોપિંગ મૉલ અને બજાર સંકુલ 50 ટકા ક્ષમતાથી કામ કરી શકશે. આવા પ્રતિષ્ઠાનો રાતના 10 વાગ્યા પછી બંધ થઈ જશે. રેસ્ટોરન્ટ અને આહારગૃહો 50 ટકા ક્ષમતા સાથે ખુલ્લાં રહેશે.
Published on: Tue, 11 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer