પચાસ વકીલોને ખાલિસ્તાની સમર્થક વિદેશી સંગઠનની ધમકી

પચાસ વકીલોને ખાલિસ્તાની સમર્થક વિદેશી સંગઠનની ધમકી
વડા પ્રધાનની સુરક્ષામાં ખામીની તપાસ નિવૃત્ત જજની કમિટી કરશે : સુપ્રીમ કોર્ટ
કેન્દ્ર અને પંજાબની તપાસ પર રોક
નવી દિલ્હી, તા. 10 : પંજાબના ફિરોઝપુરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ખામીના કેસમાં સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. આ મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ કેસની તપાસ માટે પૂર્વ ન્યાયધીશની અધ્યક્ષતામાં એક સ્વતંત્ર કમિટી બનાવવામાં આવશે. એ સાથે કોર્ટે કહ્યું કે આ મામલે કેન્દ્ર અને પંજાબ સરકાર દ્વારા થઈ રહેલી તપાસ અટકાવવામાં આવે.
ચીફ જસ્ટીસ એન. વી. રમન્નાએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં કમિટી બનાવશું. જેમાં ડીજીપી ચંડીગઢ, આઈજી એનઆઈએ, હાઈકોર્ટ રજિસ્ટ્રાર જનરલ, એડીએલ, ડીજીપી પંજાબ સિક્યોરિટીને પણ સામેલ કરાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાંચ જાન્યુઆરીએ પંજાબની મુલાકાતે ગયા હતા. અહીં સડક માર્ગે હુસૈનીવાલ જતી વખતે અમુક પ્રદર્શનકારીઓએ રસ્તો રોક્યો હતો. ત્યાર બાદ વડા પ્રધાનનો કાફલો અહીં 15-20 મિનિટ અટવાયો હતો. આને વડા પ્રધાન મોદીની સુરક્ષામાં મોટી ખામી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
આ મામલે સોમવારે સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનવણી દરમિયાન કેન્દ્ર સરકાર વતી ઉપસ્થિત સોલિસિટર જનરલે કહ્યું કે આ ઇન્ટેલિજન્સ ફ્ઁલ્યોરનું પરિણામ છે. એટલે પંજાબના જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં કોઈ વાંધો નથી. વીવીઆઈપીની સુરક્ષામાં નાનકડી પણ ભૂલ ગંભીર બની શકે છે. રાજ્ય સરકાર એના લાપરવાહી અધિકારીઓને છાવરી રહી છે. 
આ અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું કે તમે તો નક્કી કરીને આવ્યા છો. તમારી દલીલ દર્શાવે છે કે તમે પહેલેથી બધું નક્કી કરી ચૂક્યા છો. તો પછી આ કોર્ટમાં આવ્યા શું કામ? જસ્ટીસ કોહલીએ કહ્યું કે શુક્રવારે અમે કાર્યવાહી રોકવા જણાવ્યું હતું તો તમે નોટિસ ક્યા આધારે મોકલાવી? સોલિસિટર જનરલે કહ્યું કે નોટિસ તો શુક્રવારે થયેલી સુનાવણી પહેલાં જ જારી કરવામાં આવી હતી.
પંજાબ સરકારે કેન્દ્રની તપાસ ટીમ પર સવાલ ઊઠાવતા કહ્યું કે કેન્દ્રની કમિટીમાં એસપીજીના આઈજી છે. અન્યો પણ કેન્દ્રના પ્રતિનિધિ છે. અમે આ કમિટીથી કોઈ અપેક્ષા રાખતા નથી. આ મામલે નિષ્પક્ષ તપાસ થવી જોઇએ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂકના મામલામાં નવા ધડાકારૂપે સુરક્ષામાં ગાબડું પાડવાનાં કૃત્યની જવાબદારી ખાલિસ્તાની સમર્થક શીખ ફોર જસ્ટિસ (એસએફજે) નામના વિદેશી સંગઠને લીધી છે. 
સુપ્રીમ કોર્ટના 50થી વધુ વકીલોને સોમવારે આંતરરાષ્ટ્રીય નંબર પરથી આવેલા ફોન કોલ્સમાં આવો દાવો કરાયો છે. 
સુપ્રીમ કોર્ટ દ્વારા આ હાઈપ્રોફાઈલ સુરક્ષા ચૂકના મામલાની તપાસ માટે સમિતિની રચના કરાયાના ટાંકણે જ એસએફજે દ્વારા મોદીની સુરક્ષામાં ગાબડાંની જવાબદારી સ્વીકારાઈ છે. 
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ લુધિયાણા કોર્ટમાં ધડાકા પાછળ પણ શીખ ફોર જસ્ટિસ સંગઠનનો હાથ હતો. જેમાં હુમલાના આરોપી જસવિંદસિંહ મુલ્તાનીની જર્મનીમાંથી ધરપકડ કરાઈ હતી.
Published on: Tue, 11 Jan 2022

© 2022 Saurashtra Trust