આરઆરઆર માટે બલ્ગેરિયાના જંગલમાં ઉઘાડા પગે દોડયો જુનિયર એનટીઆર

આરઆરઆર માટે બલ્ગેરિયાના જંગલમાં ઉઘાડા પગે દોડયો જુનિયર એનટીઆર
દક્ષિણ જગતનો અભિનેતા જુનિયર એનટીઆર બહુમુખી પ્રતિભા ધરાવે છે તથા ફિલ્મ નિર્માતાઓ સાથે અખબારોના મથાળાં સર કરે છે. તે ફિલ્મ આરઆરઆર દ્વારા બધી જ ભાષાના પ્રેક્ષકોના દિલ પર રાજ કરવા તૈયાર છે. કોરોના સંક્રમણ વધતાં આ ફિલ્મની રજૂઆત પાછળ ઠેલવામાં આવી છે. આ ફિલ્મના એક દોડવાના દૃશ્યની વાત કરતાં દિગ્દર્શક એસ. એસ. રાજામૌલીએ જણાવ્યું હતું કે, અભિનેતાએ આશરે પાંચથી છ મહિના વર્કઆઉટ કરીને પોતાની બૉડી પાત્ર અનુરૂપ બનાવી હતી અને તે બલ્ગેરિયાના જંગલમાં ઉઘાડા પગે દોડયો છે. વાસ્તવમાં તો જુનિયર એનટીઆરે આ દૃશ્યનું રિહર્સલ જૂતાં પહેરીને કર્યું હતું. પરંતુ જ્યારે શૂટિંગ શરૂ થયું ત્યારે તેને જૂતાં કાઢીને દોડવાનું કહેવામાં આવ્યું હતું. આથી તેના પગમાં કાંટા અને અણિયાળા પથ્થર ખૂંચી ગયા હતા. જોકે, તેણે દોડતાં પહેલાં પ્રોફેશનલ ફાઈટર સાથે દૃશ્યનું પરીક્ષણ કર્યું હતું તથા કેમેરામેન પણ તેની સાથે દોડયો હતો. સામાન્ય રીતે અભિનેતા ફાઈટરની જેમ ઝડપથી દોડી શકતી નથી, પરંતુ જુનિયર એનટીઆરે લોકેશન પર બધાને ચોકાવી દીધા કેમ કે તે ફાઈટરની જેમ જ દોડયો હતો. શૂટિંગ વખતે પણ તે આટલી જ ઝડપથી દોડયો હતો અને દૃશ્ય લાંબુ હતું છતાં તેને ઝાઝી ઇજા થઈ નહોતી. 
ફિલ્મ આરઆરઆરમાં જુનિયર કોમારામ ભીમનું પાત્ર ભજવે છે જે સ્વતંત્રતા સેનાની હોય છે.  જોકે, જુનિયર એનટીઆરે રાજામૌલીની શાનદાર ડાન્સ અને ખતરનાક એકશન દૃશ્ય જેવી દરેક અપેક્ષાઓ પૂરી કરી હતી.

Published on: Wed, 12 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer