અભિનેતા નિળુ ફુલેના જીવન પરથી બનશે ફિલ્મ

અભિનેતા નિળુ ફુલેના જીવન પરથી બનશે ફિલ્મ
હાલમાં બૉલીવૂડમાં બાયોપિકની મોસમ છે. ખેલાડીઓ અને સ્વતંત્રતા સેનાનીઓના જીવન પરથી ફિલ્મો બની રહી છે અને હવે કુમાર તૌરાનીએ દિગ્ગજ મરાઠી અભિનેતા નિલુ ફુલેના જીવન પરથી હિન્દી ફિલ્મ બનાવવાનો નિર્ણય કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, અમે તેમની પુત્રી ગાર્ગી નિલકાંત ફુલે પાસેથી બાયોપિક બનાવવાના અધિકાર મેળવી લીધા છે. આ વર્ષે તેનું કામકાજ શરૂ થશે. ફિલ્મમાં તેમનું કલાકાર, સ્વતંત્રતા સેનાની તથા સમાજસેવક તરીકેના જીવનને સમાવી લેવામાં આવશે. 
નિલુ ફુલે મરાઠી ફિલ્મો અને રંગમંચના દિગ્ગજ કલાકાર હતા. તેમણે મરાઠી  લોકનાટય કથા એકલચ્યા કાંદાચીથી કારકિર્દીની શરૂઆત કરી હતી. 1956માં એક ગાંવ બારા ભાંડગડીથી ફિલ્મી કારકિર્દી શરૂ કરી હતી. મરાઠીની સાથે હિન્દી ફિલ્મોમાં પણ તેમણે નોંધપાત્ર ભૂમિકાઓ ભજવી છે. અમિતાભ બચ્ચન સાથે કુલી, દિલીપકુમાર સાથે મશાલ  અને અનુપમ ખેર સાથે સારાંશમાં તેમણે ભૂમિકા ભજવી હતી. ફિલ્મોમાં ખળનાયકની ભૂમિકા ભજવવા માટે પ્રખ્યાત નિલુ ફુલે સમાજના ઉત્કર્ષ માટે પણ કામ કરતા હતા. 2009માં 78 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું. 
Published on: Wed, 12 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer