ફેડની નૉમિનેશનની બેઠક પૂર્વે સોના-ચાંદીમાં સુધારો

અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 11 : સોનાના ભાવમાં સતત ત્રીજા દિવસે સુધારો જોવા મળ્યો હતો. અમેરિકી ડોલર અને બોન્ડના યીલ્ડમાં ઉંચા મથાળેથી ઘટાડો આવતા સોનાનો ભાવ વધીને 1808 ડોલર અને ચાંદીનો ભાવ 22.60 ડોલર પ્રતિ ઔંસની સપાટીએ હતો. અમેરિકાની ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલની નોમિનેશન હીયરીંગની બેઠક મળવાની હતી એ પૂર્વે સટ્ટો ખેલાઇ જતા બન્ને ધાતુઓ ઉછળી હતી. જોકે સ્થાનિક બજારોમાં ભાવમાં કોઇ ફેરફાર થયો ન હતો. 
બોન્ડના યીલ્ડમાં આજે ઘટાડો જોવા મળ્યો હતો. બે વર્ષની ઉંચાઇએથી પ્રત્યાઘાતી ઘટાડો થયો હતો. બીજી તરફ અમેરિકી ડોલરના મૂલ્યમાં પણ ઘટાડો થતા સોનું 1800 ડોલરની સપાટી વટાવવામાં સફળ રહ્યું હતુ. ફેડના ચેરમેને એવું જણાવ્યું હતુ કે, ફુગાવો સતત વધી રહ્યો છે અને તે ખેંચાય રહ્યો છે એટલે વ્યાજદરમાં વધારો કરવાની જરુરિયાત છે. ફેડની સેનેટ બાંકિંગ સમિતિની બેઠક છે એમાં તેમનું નોમિનેશન થવાનું છે. ફેડના ચેરમેન પદ માટે વધારાની ચાર વર્ષની ટર્મ માટે તેમને રાખવા કે કેમ તે અંગેનું નોમિનેશન હશે. 
અલબત્ત વ્યાજદર અંગે ફેડ દ્વારા સ્પષ્ટ જાહેરાત કરવામાં આવતી નહીં હોવાથી બજારમાં દ્વીધા પ્રવર્તે છે તેમ વિષ્લેષકોએ કહ્યું હતુ. ફેડ વ્યાજદર વધારાનો સમય આપી દે તો બજારને ચાલવામાં સરળતા રહેશે.બુધવારે અમેરિકાના સીપીઆઇ ડેટાની જાહેરાત થવાની છે. ડિસેમ્બરમાં ડેટા 5.4 ટકા જેટલો વધીને આવે તેવી શક્યતા છે. જે અગાઉના મહિનામાં 4.9 ટકા રહ્યો હતો. 
જાણકારો કહે છે, વ્યાજદરમાં આ વર્ષે ત્રણ વખત વધારો થશે એ નક્કી છે પણ ચોથો વધારો આવશે કે કેમ તે અંગે સટ્ટો ખેલાય રહ્યો છે. સોનામાં અત્યારે તો ફુગાવા સામે હેજરુપી ખરીદી વધી છે પરંતુ વ્યાજદરમાં વધારો થાય તો સોના પર તેની નકારાત્મક અસર પડ્યા વિના રહેવાની નથી. 
રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામે રુ. 49170 અને ચાંદી એક કિલોએ રુ. 61200ની સપાટીએ રહી હતી. બન્ને ધાતુઓમાં કોઇ ફેરફાર થયો ન હતો. મુંબઇમાં સોનાનો ભાવ રુ. 47705 હતો. આગલા દિવસથી રુ. 78નો સુધારો હતો. ચાંદી એક કિલોએ રુ. 60400 હતી, એમાં રુ. 90નો સુધારો હતો.
Published on: Wed, 12 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer