જ્વૅલરી કંપનીઓનો ચળકાટ ઝંખવાશે

જ્વૅલરી કંપનીઓનો ચળકાટ ઝંખવાશે
ડિસેમ્બર '21 ત્રિમાસિકનાં પરિણામોમાં
લોકો પણ હવે સંગઠિત ક્ષેત્રને પ્રાધાન્ય આપી રહ્યા છે. વધુમાં કંપની બજાર હિસ્સામાં સતત વધારો કરી રહી છે
મુંબઈ, તા. 11 : દિવાળી સુધીના તહેવારની સીઝન સારી ગઈ અને લગ્ન સીઝનની પણ સારી જઈ રહી છે ત્યારે લાગતું હતું કે કે ડિસેમ્બર 2021 ત્રિમાસિકમાં  જ્વેલરી કંપનીઓના નાણાકીય પરિણામ સારા આવશે. પરંતુ ઓમિક્રોનને લીધે ફરી લગ્ન પ્રસંગો કેન્સલ રદ્દ થઇ રહ્યા છે અથવા તે સાદાઈથી લેવાઈ રહ્યા છે ત્યારે જ્વેલરી કંપનીઓના ડિસેમ્બર 21ના ત્રીજા ત્રિમાસિક પરિણામ નબળા આવી શકે છે.  
જોકે, ટાઈટન કંપની કલ્યાણ જ્વેલર્સના સારા પરિણામોની આગાહી ઍનલિસ્ટ્સ કરી રહ્યા છે.  
સૌથી મોટી લિસ્ટેડ રિટેલર ટાઈટન કંપનીના વેચાણમાં વાર્ષિક ધોરણે 37 ટકાનો વધારો થઈ શકે છે. જ્યારે કલ્યાણ જ્વેલર્સના વેચાણમાં 15 ટકાનો વધારો થવાની ઍનલિસ્ટ્સને અપેક્ષા છે. ગત વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં ટાઈટનનું વેચાણ 16 ટકા વધ્યું હતું.  
ટાઈટનના મૅનેજમેન્ટે કહ્યું કે આવક વૃદ્ધિનું મુખ્ય કારણ અૉક્ટોબર અને નવેમ્બરમાં તહેવારની સીઝનમાં થયેલુ નોંધપાત્ર વેચાણ છે. ડિસેમ્બર ત્રિમાસિકમાં કંપનીના દરેક સ્ટોર્સ ખુલ્લા હતા, તેથી દરેક વિસ્તારમાં સારી ઘરાકી રહી હતી. ટાઈટનની જ્વેલરી સેગમેન્ટમાં છેલ્લાં બે વર્ષથી 26 ટકાના ચક્રવૃદ્ધિ દરે વધારો થઈ રહ્યો છે.  
એમરે રિસર્ચનું કહેવું છે કે કંપનીનો બિઝનેસ કોરોના પહેલાના સ્તર કરતા પણ 15 ટકા વધ્યો છે. તેમ જ સ્ટોર્સની સંખ્યામાં 9 ટકાના ચક્રવૃદ્ધિ દરે વધારો થઈ રહ્યો છે. કંપનીએ ડિસેમ્બર ત્રિમાસિકમાં 14 નવા સ્ટોર્સ શરૂ કરતા હાલ કંપનીના કુલ સ્ટોર્સની સંખ્યા 428 ઉપર પહોંચી  છે.  
કંપનીના પ્લેન અને સ્ડેડ જ્વેલરીની વેચાણ વૃદ્ધિ બે આંકમાં થઈ છે. ગત વર્ષના ડિસેમ્બર ત્રિમાસિકમાં ટાઈટનના સ્ટડેડ જ્વેલરીનું વેચાણ કુલ વેચાણમાં 26 ટકા હતો. જ્યારે સપ્ટેમ્બર ત્રિમાસિકમાં 30 ટકા હતો. નફાની દૃષ્ટિએ જોતા આ સકારાત્મક પાસુ ગણાય કારણ કે આ સેગમેન્ટમાં નફા માર્જિન વધુ છે.  
કલ્યાણ જ્વેલર્સના ગ્રોસ માર્જિનમાં પણ છેલ્લા બે ત્રિમાસિકથી સુધારો થયો છે અને કોવિડ પહેલાના સ્તર નજીક નફાશક્તિ પહોંચી છે. દક્ષિણ ભારત સિવાયના બજારોમાં કંપનીની આવકમાં વધારો થયો છે. જ્યારે કલ્યાણ જ્વેલર્સની કુલ આવકમાં 65થી 70 ટકા હિસ્સો દક્ષિણ ભારતના બજારનો છે.  
કલ્યાણ જ્વેલર્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રમેશ કલ્યાણરમણનું માનવું છે કે તહેવારની માગ સારી રહેતા કંપનીનું વેચાણ વધ્યું હતું. લોકો પણ હવે સંગઠિત ક્ષેત્રને પ્રાધાન્ય આપી રહ્યા છે. વધુમાં કંપની બજાર હિસ્સામાં સતત વધારો કરી રહી છે. ડિસેમ્બર ત્રિમાસિકમાં કંપનીએ પાંચ નવા શૉ- રૂમ શરૂ કરતા કુલ શૉ -રૂમ સંખ્યા 151 થઈ છે.
Published on: Wed, 12 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer