વોડાફોન એજીઆર અને સ્પૅક્ટ્રમની રકમનું ઇક્વિટીમાં રૂપાંતર કરશે

વોડાફોન એજીઆર અને સ્પૅક્ટ્રમની રકમનું ઇક્વિટીમાં રૂપાંતર કરશે
સરકાર બનશે કંપનીની  સૌથી મોટી શૅરહોલ્ડર
અમારા પ્રતિનિધી તરફથી  
નવી  દિલ્હી,તા. 11 : વોડાફોન આઈડિયા કંપનીના બોર્ડે આજે એડજસ્ટેડ ગ્રોસ રિવેન્યૂ અને સ્પેક્ટ્રમના વ્યાજને ઇકવીટી શેરમાં રૂપાંતર કરવાનો નિર્ણય લીધો છે.  આ નિર્ણયને કારણે હવે ભારત સરકાર આ ટેલિકોમ કંપનીમાં 36 ટકા શૅરહોલ્ડિગ સાથે સૌથી મોટી શૅરહોલ્ડર બનશે. 
કંપનીએ બીએસઈને એક ફાઈલિંગમાં જણાવ્યું હતું કે કંપનીના બોર્ડે સ્પેક્ટ્રમ ઓક્શન ઇન્સ્ટોલમેન્ટ અને એજીઆરની બાકી રહેતી રકમને ઇક્વિટીમાં રૂપાંતર કરવાનો નિર્ણય લીધો છે. કંપનીના કુલ શેરમાં હવે સરકારનો હિસ્સો 35.8 ટકા થવાનો અંદાજ છે. કંપનીના પ્રમોટરો વોડાફોન ગ્રુપ અને આદિત્ય બિરલા ગ્રુપ તેમાં અનુક્રમે 28.5 ટકા અને 17.8 ટકા શેર હિસ્સો ધરાવશે. 
આ સમાચારે વોડાફોન આઈડિયા કંપનીના શેરનો ભાવ 19 ટકા ઘટીને રૂ. 12.05 થયો હતો. જે વ્યાજની રકમ ચૂકતે કરવાની છે તેનું અત્યારનું મૂલ્ય રૂ. 16,000 કરોડ થાય છે, પણ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશને આ આંકડો હજુ મંજુર કરવાનો છે એમ કંપનીએ જણાવ્યું હતું. વોડાફોન સરકારને રૂ. 10ના ફેસવૅલ્યુ પર શૅર જારી કરાશે.  
વોડાફોન આઈડિયા કંપની રોકડની મોટી ખેંચ અનુભવી રહી છે. એજીઆર અને સ્પેક્ટ્રમની બાકી રહેતી રકમને મોનિટાઈઝ કરવાના વિકલ્પનું સરકારનું પગલું કંપનીને રાહત આપવા માટે લેવાયું હતું એમ ફીચ રાટિંગ્સના સિનિયર ડિરેક્ટર નીતિન સોનીએ કહ્યું હતું. આ પગલાંને કારણે હવે કંપનીને કેશ ફ્લોમાં થોડી રાહત મળશે તેમજ 4જી સ્પેક્ટ્રમ વિસ્તારવામાં મદદ મળશે. 
જોકે, કંપની મૂડી રોકાણમાં પૂરતો ખર્ચ કરી શકે એમ નથી અને તેને નવા ઇક્વિટી રોકાણની જરૂર છે. કંપનીના હરીફ ભારતી ઍરટેલ અને રિલાયન્સ જીઓ પાસે મજબૂત બેલેન્સ શીટ હોવાથી કોઈ રોકાણકાર માટે વોડાફોન આઈડિયામાં રોકાણકારવું એક પડકાર બની રહેશે. આગામી 12થી 18 મહિનામાં પરિસ્થિતિ સદંતર રીતે બદલાઈ શકે છે અને વોડાફોન આઈડિયા નવા રોકાણકાર નહિ લાવી શકે તો કંપનીની હરીફાઈ શક્તિ વધારે નબળી બનશે. ટૂંકાગાળામાં કોઈ રોકાણકાર કંપનીમાં મોટું રોકાણ કરવા આગળ આવે એમ મને નથી લાગતું એમ સોનીએ કહ્યું હતું. 
ઇક્વિટી શૅરના ભાવ નક્કી કરવાની તારીખ 14 અૉગસ્ટ, 2021 મુકરર કરવામાં આવી છે. અગાઉના 26 સપ્તાહના ઊંચા અને નીચા ભાવની સરેરાશ પકડીને વોલ્યૂમ અનુસાર આ ભાવ નક્કી થશે એમ કંપનીએ કહ્યું હતું. વિકલ્પ તરીકે અગાઉના બે સપ્તાહના ભાવ ધ્યાનમાં લેવાશે. 
અગ્રણી શૅર બ્રાકિંગ ફર્મ કે આર ચોક્સીના મેનેજીંગ ડિરેક્ટર દેવેન ચોક્સીએ કહ્યું કે,  સરકાર માલિકીની બે કંપનીઓ એમટીએનએલ અને બીએસએનએલ પાસે મજબૂત વાયરલાઈન નેટવર્ક છે. હવે સરકાર વોડાફોન સાથે આ કંપનીઓની સિનર્જીનો ઉપયોગ કરવાનો વિચાર કરી શકે. આ બે જાહેર ક્ષેત્રના એકમોનો મોનિટાઈઝેશન કાર્યક્રમમાં સમાવેશ કરાયો છે એ જોતા મને આ શક્યતા  દેખાય છે. 
દેવાનું ઇક્વિટીમાં રૂપાંતર થતા વોડાફોન આઈડિયા કંપનીનો ડેબ્ટ-ઇક્વિટી રેશિઓ અગાઉ કરતા બહેતર થશે એમ કહેતા ચોક્સીએ ઉમેર્યું હતું કે નફો ન બને તો પણ કંપનીનો કેશ ફ્લો સુધરશે અને નવા રોકાણકારો આવી શકશે. રણનીતિની દ્રષ્ટિએ જોઈએ તો હવે સરકારની ટેલિકોમમ્યુનિકેશન ક્ષેત્રમાં મજબૂત ભૂમિકા રહેશે અને તેને કારણે ભવિષ્યમાં ભાવમાં સ્થિરતા આવશે.
Published on: Wed, 12 Jan 2022

© 2022 Saurashtra Trust