પાણી ભરવાની સમસ્યાના કાયમી હલ માટે રૂા. 35 કરોડના ખર્ચે હિંદમાતામાં સ્ટોરેજ ટૅન્કનું વિસ્તરણ

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 11 : પરેલમાં હિંદમાતા વિસ્તારમાં દર વર્ષે પૂર જેવી સ્થિતિ ઉદ્ભવતી હોય છે. એનો કાયમી ઉકેલ આણવા માટે પાલિકાએ 35 કરોડ રૂપિયાના ખર્ચે ત્યાંની પ્રમોદ મહાજન ઉદ્યાનમાંની સ્ટોરેજ ટૅન્કનું વિસ્તરણ કરવાનું નક્કી ર્ક્યું છે. આ માટે પાલિકાએ ટેક્નિકલ સલાહકારની પણ નિમણૂંક કરી છે.
સલાહકારની સૂચના મુજબ હિન્દમાતામાં ફ્લાયઓવર નીચે મિની ઉદંચન કેન્દ્ર બાંધીને હિંદમાતા વિસ્તારમાં ભરાતું પાણી ત્યાં ભેગું કરીને પંપની મદદથી લઈ જવા માટે પ્રમોદ મહાજન કલા પાર્ક અને સેન્ટ ઝેવિયર મેદાનમાં બે સ્ટોરેજ ટૅન્ક બાંધવામાં આવશે. આ ટૅન્કની ક્ષમતા અનુક્રમે છ કરોડ લિટર અને ચાર કરોડ લિટર હશે.
પહેલા તબક્કામાં આ બંને સ્થળે અનુક્રમે 1.62 કરોડ લિટર અને 1.05 કરોડ લિટરની ક્ષમતાની ટાંકીઓ બાંધવામાં આવી છે. હવે આ ટાંકીઓના વિસ્તરણના કામ માટે પાલિકાએ ટેન્ડર મગાવ્યા છે. એ માટે પાલિકાએ 33 કરોડ રૂપિયા જેટલો ખર્ચ થવાનો અંદાજ બાંધ્યો છે.
ટેન્ડર મગાવ્યા બાદ ત્રણ કૉન્ટ્રાક્ટરે ઓછા દરે કામ કરવાની તૈયારી દર્શાવી છે. એમાં 20 ટકા ઓછા દરે એટલે કે 26.38 કરોડ રૂપિયામાં કામ કરવા તૈયાર થનારા કૉન્ટ્રાક્ટરની પસંદગી કરવામાં આવી છે. અન્ય કર અને ખર્ચ મળીને આ રકમ 35.30 કરોડ રૂપિયા જેટલી થાય છે. આ અંગેનો પ્રસ્તાવ પાલિકાએ સ્થાયી સમિતિ સમક્ષ મંજૂરી માટે રજૂ ર્ક્યો છે.
Published on: Wed, 12 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer