વિધાનસભ્યનું એક વર્ષ માટે સસ્પેન્શન એ મતવિસ્તારને અપાયેલી સજા છે

સર્વોચ્ય અદાલતની ખંડપીઠે વ્યક્ત કર્યો મત
પ્રકરણ ભાજપના બાર વિધાનસભ્યોના સસ્પેન્શનનું
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 11 : ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓને 60 દિવસ કરતાં વધારે સમય માટે સસ્પેન્ડ કરવાનું યોગ્ય નથી. એવો મત આજે સર્વોચ્ય અદાલતે વ્યક્ત કર્યો છે. તેના કારણે સર્વોચ્ય અદાલત દ્વારા ભાજપના 12 વિધાનસભ્યોના સસ્પેન્શન અંગે રાહત મળશે એવી શક્યતા છે.
મહારાષ્ટ્ર વિધાનસભામાંથી બાર વિધાનસભ્યોને એક વર્ષ માટે સસ્પેન્ડ કરવાના નિર્ણયને પડકારતી અરજી અંગે આજે સર્વોચ્ય અદાલતમાં પાંચ કલાક સુનાવણી થઈ હતી. તે સુનાવણી દરમિયાન અદાલતે વિધાનસભ્યોના સસ્પેન્શનના સમયગાળા અંગે વાંધો ઉઠાવ્યો હતો. ન્યાયાધીશો એ. એમ. ખાનવિલકર અને દિનેશ માહેશ્વરીની બનેલી ખંડપીઠે આ અરજીની સુનાવણી દરમિયાન મત વ્યક્ત કર્યો હતો કે સસ્પેન્શનનો સમયગાળો 60 દિવસથી વધુ હોઈ શકે નહીં. ખંડપીઠે વધુમાં જણાવ્યું હતું કે, વિધાનસભ્યોને એક વર્ષ માટે સસ્પેન્ડ કરવાની બાબત હકાલપટ્ટી કરતાં પણ વધારે ગંભીર છે. તેનું કારણ આ સમયગાળામાં સંબંધિત મતવિસ્તારનું પ્રતિનિધિત્વ રહે નહીં. જો હકાલપટ્ટી કરવી હોય તો તે સમયગાળામાં મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરવા માટે વ્યવસ્થા થવી જોઈએ. વિધાનસભ્યનું એક વર્ષ માટે સસ્પેન્શન એ મતવિસ્તારને આપવામાં આવેલી સજા છે. બંધારણની કલમ 190 (4) અનુસાર કોઈ એક મતવિસ્તારનો લોકપ્રતિનિધિ કોઈપણ પરવાનગી વિના વિધાનભવનમાં 60 દિવસ કરતાં વધારે સમય ગેરહાજર રહે તો તે જગ્યા ખાલી સમજવી એમ ખંડપીઠે ઉમેર્યું હતું.
`સભાગૃહ ચાલુ ન હોય ત્યારે સુનાવણી શું કામની'
ભાજપના નેતા અને વરિષ્ઠ વિધાનસભ્ય આશિષ શેલારે આજે બાર વિધાનસભ્યોના સસ્પેન્શન પ્રકરણે માહિતી આપતાં જણાવ્યું હતું કે સસ્પેન્શન પ્રકરણે 12 વિધાનસભ્યો વતી અમે છ વિધાનસભ્યો આજે વિધાનસભા ઉપાધ્યક્ષની સુનાવણીમાં ઉપસ્થિત રહ્યા હતા અને  લેખિતમાં અમારું નિવેદન આપ્યું હતું. સુપ્રીમ કોર્ટના કહેવા મુજબ આ સસ્પેન્શન સભાગૃહે ર્ક્યું હોવાથી સભાગૃહ ચાલુ ન હોય ત્યારે એની સુનાવણીનો શું ઉપયોગ, એવું પણ અમે ઉપાધ્યક્ષના ધ્યાનમાં આવ્યું હતું.
વિધાનમંડળના ચોમાસુ સત્રમાં ભાજપના બાર વિધાનસભ્યોને એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. વિધાનસભા ઉપાધ્યક્ષ નરહરી ઝિરવળે આજે આ પ્રકરણે વિધાનભવનના પોતાના કાર્યાલયમાં સુનાવણી રાખી હતી. એમાં 12 વિધાનસભ્યો વતી છ વિધાનસભ્ય ઉપસ્થિત રહ્યા હતા. એમાં આશિષ શેલાર, જયકુમાર રાવલ, યોગેશ સાગર, પરાગ અળવણી, નારાયણ કુચે અને અભિમન્યુ પવારનો સમાવેશ થાય છે.
આશિષ શેલારે જણાવ્યું હતું કે અમારી કોઈપણ ભૂલ નહીં હોવા છતાં અમને એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એ વખતે અમારું કહેવું સાંભળવામાં નહોતું આવ્યું. 
Published on: Wed, 12 Jan 2022

© 2022 Saurashtra Trust