મહિલા પત્રકારોનું અૉનલાઇન ઉત્પીડન કરનારાઓને સજા કરો : એડિટર્સ ગિલ્ડ

નવી દિલ્હી, તા. 11 : એડિટર્સ ગિલ્ડ અૉફ ઇન્ડિયા મહિલા પત્રકારોના સતત અૉનલાઇન ઉત્પીડનની નિંદા કરે છે, જેમાં સંગઠિત અૉનલાઇન ટ્રોલિંગની સાથોસાથ યૌન શોષણની ધમકી પણ સામેલ છે. એનાથી વધુ તકલીફ આપનારી વાત એ છે કે એમાંથી મોટાભાગના હુમલા એવા પત્રકારો પર થાય છે, જેઓ વર્તમાન સરકાર અને સત્તાધારી પક્ષની ટીકા કરતા હોય છે. આ પ્રકારના હુમલાની ધમકી દ્વારા તેમને ચુપ કરાવવાના પ્રયાસ કરે છે. આ તમામ લોકતાંત્રિક માપદંડના ઉપહાસ સમાન હોવાની સાથે કાયદાના ઉલ્લંઘન સમાન છે.
આ પ્રકારના સંગઠિત ટ્રોલિંગ અને ઉત્પીડનનો તાજો દાખલો છે, ધ વાયર દ્વારા કરાયેલી તપાસમાં બહાર આવ્યો છે, જેમાં એક ઍપ, ટેગ ફૉગ આસપાસ બનાવવામાં આવ્યું છે જે ઉપયોગ ન થતા હોય એવા વૉટ્સઍપ અકાઉન્ટ ચોરી ટાર્ગેટ કરાયેલા પત્રકારોને ઝેરીલા સંદેશાઓ મોકલવામાં આવે છે. આનો ઉદ્દેશ તેમનામાં ભય ફેલાવવાનો અને તેમને કામ કરતા અટકાવવાનો છે. અહેવાલ મુજબ અનેક મહિલા પત્રકારો અપશબ્દોવાળા ટ્વીટનો ભોગ બની છે. આને પગલે એડિટર્સ ગિલ્ડે માગણી કરે છે કે આ પ્રકારના ખોટા અને અપમાનજનક ડિજિટલ ઇકો-સિસ્ટમને તોડવા અને એને ખતમ કરવા માટે તાત્કાલિક પગલાં ભરે અને દોષીઓને સજા કરે. એ સાથે ગિલ્ડે માગણી કરી છે કે ભારતની સર્વોચ્ચ અદાલત કેસની નોંધ લે અને એની તપાસનો આદેશ આપે.
Published on: Wed, 12 Jan 2022

© 2022 Saurashtra Trust