થાણે સ્માર્ટ સિટી પ્રકલ્પમાં કથિત ગેરરીતિની તપાસનો આદેશ

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 11 : વિવિધ કારણોસર વિવાદના વમળમાં સપડાયેલા થાણે સ્માર્ટ સિટી પ્રકલ્પમાં કથિત ગેરરીતિની તપાસ કરીને 27 જાન્યુઆરી સુધી અહેવાલ રજૂ કરવાનો આદેશ કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને આપ્યો છે. ગત સાતમી ડિસેમ્બરે ભાજપના સંસદસભ્ય  વિનય સહસ્રબુદ્ધેના નેતૃત્વ હેઠળ મોવડીમંડળે આ પ્રોજેક્ટમાંની ગેરરીતિઓ અંગે કેન્દ્રીય નગરવિકાસ પ્રધાન હરદીપસિંહ પુરી સમક્ષ ફરિયાદ કરી હતી. હરદીપસિંહ પુરીએ રાજ્યને પત્ર મોકલીને તપાસની સૂચના આપી છે.
થાણે મહાપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે એવા સમયે સ્માર્ટ સિટી પ્રકલ્પ તપાસના ઘેરામાં સપડાતા આ મુદ્દે ભાજપ, સત્તાધારી શિવસેનાને સકંજામાં લેવામાં સફળ થયો છે. હવે આ બાબતે રાજ્ય સરકાર કેવું વલણ અપનાવે છે એ તરફ સૌનું ધ્યાન છે. કેન્દ્ર સરકારના 50 ટકા ભંડોળ દ્વારા થાણે શહેરમાં સ્માર્ટ સિટી પ્રકલ્પ સાકાર થઈ રહ્યો છે. એમાં ખાડીના કિનારે સુશોભીકરણ, કોપરીમાં સૅટીસ પુલ અને ગાવદેવી મેદાનમાં પાર્કિંગ લૉટ જેવા કેટલાક મહત્ત્વના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. મુદત વીતી જવા છતાં આ કામ શરૂ થયાં નથી. ભાજપ દ્વારા આ પ્રકલ્પમાં ગેરરીતિ આચરાઈ હોવાના આક્ષેપ થઈ રહ્યા હતા. હરદીપસિંહ પુરી સાથેની બેઠકના લગભગ એક મહિના પછી છઠ્ઠી જાન્યુઆરીએ કેન્દ્રના સ્માર્ટ સિટી મિશન દ્વારા રાજ્યને પત્ર મોકલવામાં આવ્યો છે અને 27મી જાન્યુઆરી સુધીમાં તપાસ અહેવાલ રજૂ કરવાનું મિશનના પ્રમુખ કુણાલકુમારે જણાવ્યું છે.
Published on: Wed, 12 Jan 2022

© 2022 Saurashtra Trust