છૂટક વેપારીઓને વીમા કવચ અને સસ્તા દરે આપવાનો પ્રસ્તાવ : કૈટ

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 11 : વર્ષ 2020માં દેશભરમાં કોરોના અને અન્ય વિષમ પરિસ્થિતિઓને કારણે ખેડૂતોની વધુ આત્મહત્યાઓ વેપારીઓ દ્વારા કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં કૉન્ફેડરેશન અૉફ અૉલ ઇન્ડિયા ટ્રેડર્સ (કૈટ) દ્વારા વેપારીઓને રાહત આપવાની સરકાર સમક્ષ માંગણી કરવામાં આવી હતી અને વેપારીઓને ફરીથી પગભર કરવા યોજનાઓ બનાવવાની વિનંતી કરવામાં આવી હતી, એમ કૈટના મહાનગર અધ્યક્ષ અને અખિલ ભારતીય ખાદ્યતેલ વેપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમારી માગણીઓ પર ગંભીરતાપૂર્વક વિચાર કરીને સરકારે વેપારીઓને વીમા કવચ પૂરું પાડવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
કૈટના મહાનગર મહામંત્રી તરુણ જૈને જણાવ્યું હતું કે, ઉદ્યોગ અને આંતરિક વ્યાપાર સંવર્ધન વિભાગ (ડીપીઆઈઆઈટી) દ્વારા પ્રસ્તાવિત નીતિમાં વેપારીઓને ઓછા વ્યાજે લોન આપવા સહિતની મદદનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
કૈટના મહાનગર વાઈસ ચૅરમૅન દિલીપ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, આ નીતિનો ઉદ્દેશ એવા વેપારીઓની મદદ કરવાનો છે. જેઓ ઇ-કૉમર્સ સામે જોરદાર પ્રતિસ્પર્ધાનો મુકાબલો કરી રહ્યા છે. કૈટે જણાવ્યું હતું કે, છૂટક વેપાર ભારતીય અર્થવ્યવસ્થાનો ત્રીજો સૌથી મોટો ક્ષેત્ર છે અને આ વ્યવસાયમાં અત્યારે 5 કરોડથી વધુ લોકો કાર્યરત છે.
Published on: Wed, 12 Jan 2022

© 2022 Saurashtra Trust