નોન-એગ્રિકલ્ચરલ ટેક્સની ડિમાન્ડ નોટિસો સામે સ્ટે આપો : ભાજપ

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 11 : સરકારી જમીન પર આવેલી હાઉસિંગ સોસાયટીઓને ફટકારવામાં આવેલી નોન-એગ્રિક્લ્ટરલ ટેક્સ વિશેની ડિમાન્ડ નોટિસો મુલત્વી રાખવાની ભાજપના વિધાનસભ્ય આશિષ શેલારે માગણી કરી છે. 
તેમણે કહ્યું હતું કે મુંબઈમાં 20 હજાર જેટલી હાઉસિંગ સોસાયટીઓ છે અને આ સોસાયટીઓએ બાંધકામ વખતે આ ટૅક્સ ભરી દીધો હોવાછતાં તેમને દર વર્ષે ડિમાન્ડ નોટિસ મોકલવામાં આવે છે. 
સામવારે સાંજે આશિષ શેલારના નેતૃત્વ હેઠળ સોસાયટીઓનું એક પ્રતિનિધિમંડળ મહેસૂલપ્રધાન બાળાસાહેબ થોરાતને મળ્યું હતું અને ડિમાન્ડ નોટિસ સામે સ્ટે આપવાની માગણી કરી હતી. 
સરકારી જમીન પરની હાઉસિંગ સોસાયટીઓને સાત દિવસમાં નોન-એગ્રિકલ્ચરલ ટૅક્સ ભરવાની તહસીલદારની નોટિસો મોકલાવી છે. પંદર વર્ષના ગાળા બાદ આવી નોટીસો આપવાનું શરૂ કરાયું છે અને અમુક હાઉસિંગ સોસાયટીઓને લાખો રૂપિયા ચૂકવવાનું કહેવામાં આવ્યું છે. આવી સોસાયટીઓ ટૅક્સની રકમના હપ્તા કરી આપવાની માગણી કરી છે. 
સરકારે 2006માં સરકારી જમીન પરની સોસાયટીઓને નોન-એગ્રિકલ્ચરલ ટેક્સની નોટિસો મોકલેલી. એ વખતે લોકોના રોષને પગલે એ વસૂલવાનું અટકાવી દેવામાં આવેલું. 2018મા સરકારે નોન-એગ્રિકલ્ચરલ ટૅક્સનો નવો દર નક્કી કર્યો હતો. વાસ્તવમાં નવો દર 2006ના દર કરતા પણ વધુ હતો. પાંચ ફેબ્રુઆરી, 2018ના સરકારી આદેશ મુજબ નોન-એગ્રિકલ્ચરલ ટૅક્સ રેડી રેકનરના ભાવના આધારે 0.05 ટકા નક્કી કરાયો હતો. આ દરમાં 2006થી પ્રત્યેક પાંચ વર્ષે સુધારો કરાય છે. આદેશમાં એમ પણ જણાવાયું હતું કે સુધારિત દર આગલા પાંચ વર્ષના રેડી રેકનર આધારિત હશે કે પછી આવતા પાંચ વર્ષ એ જ રકમ નોન-એગ્રિકલ્ચરલ ટૅક્સ તરીકે વસૂલ કરાશે. તહસીલદાર તરફથી તાજેતરમાં સોસાયટીઓને જે નોટિસો ગઈ છે. એમા 2006ના રેડી રેકનર ભાવના આધારે 0.05 ટકા પ્રમાણે 15 વર્ષનો ટૅક્સ ચૂકવવાનું સોસાયટીઓને કહેવામાં આવ્યું છે. આ નોટિસમાંની ડિમાન્ડ ફાઈનલ સ્વરૂપની છે. 
2011થી 2016ના ગાળા માટે 2011નો રેડી રેકનરનો રેટ અને 2016થી 2021ના ગાળા માટે 2016ના રેડી રેકનર રેટ પ્રમાણે નોન-એગ્રિકલ્ચરલ ટૅક્સની નોટિસો ફટકારવામાં આવી છે.
Published on: Wed, 12 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer