વિક્રેતાઓએ માર્કેટની લાઇટો બંધ કરી, પાલિકાની ટુકડી ઉપર કાંદા મારો ર્ક્યો, ગાળો ભાંડી

કલ્યાણમાં એપીએમસી માર્કેટમાં પ્લાસ્ટિક વિરુદ્ધ ઝુંબેશ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 11 : કલ્યાણ-ડોમ્બિવલી પાલિકાએ 20 માઇક્રોન કરતાં વધુ જાડી પ્લાસ્ટિકની થેલી વાપરતાં ફેરિયાઓ અને વેપારીઓ પાસેથી દંડ વસૂલ કરવાની ઝુંબેશ આદરી છે. કડોમપાના સહાયક આયુક્ત સુધીર મોકલની આગેવાની હેઠળ ટુકડી કલ્યાણ એપીએમસી માર્કેટમાં શાકભાજી વેચનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા સોમવારે સવારે પાંચ વાગ્યે પહોંચી હતી. જે વેપારી કે ફેરિયા પાસે પ્લાસ્ટિકની થેલી મળશે તેઓ વિરુદ્ધ કાર્યવાહી કરાશે એવી ધારણા હતી. જોકે એપીએમસી માર્કેટમાં શાકભાજી વેચનારાઓએ ટોળાશાહી આદરીને તે ટુકડીને ડરાવવા લાઇટો બંધ કરી નાખી હતી અને પછી કાંદાનો જોરદાર મારો ચલાવ્યો હતો. આ અણધાર્યા કૃત્યથી પાલિકાની ટુકડીના સભ્યો ગભરાઈ ગયા હતા અને કાંદાના મારથી બચવા ત્યાંથી નાસવા માંડયા હતા, તેથી શાકભાજી વેચનારાઓ પણ તેઓની પાછળ દોડયા હતા. તેઓને ગાળો ભાંડી હતી અને કાંદાનો મારો ચલાવ્યો હતો.
કડોમપાના આયુક્ત ડૉ. વિજય સૂર્યવંશીએ આ ઘટનાની ગંભીર નોંધ લઈને માથા ભારે વેપારીઓ વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવાની ચેતવણી ઉચ્ચારી છે. બીજી તરફ મ્યુનિસિપલ કર્મચારી કામગાર સેના દ્વારા પાલિકા મુખ્યાલય સમક્ષ આ બનાવનો વિરોધ કરવા દેખાવો યોજવામાં આવ્યા હતા. શાકભાજીના વેપારીઓ વિરુદ્ધ સરકારી કામમાં અવરોધ ઊભો કરવાનો ગુનો દાખલ કરવાની માગણી કરી હતી.
Published on: Wed, 12 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer