મૌર્ય સપામાં જોડાયા

અખિલેશે કહ્યું, બાવીસમાં બદલાવ
લખનૌ, તા. 11 :  ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલાં સત્તાધારી ભાજપને મોટો ઝાટકો લાગ્યો છે. પક્ષના કેબિનેટ મંત્રી સ્વામીપ્રસાદ મૌર્યએ મંત્રીપદેથી રાજીનામું આપી દીધું છે. એટલું જ નહીં, તેઓ ભાજપમાંથી પણ રાજીનામું આપી સમાજવાદી પક્ષમાં જોડાઈ ગયા હતા. સ્વામીપ્રસાદની પુત્રી સંઘમિત્રા મૌર્ય પણ ભાજપમાંથી સાંસદ છે.
મૌર્યના રાજીનામા બાદ ભાજપને વધુ ઝાટકો આપતાં ત્રણ વધુ ધારાસભ્યે પણ પક્ષ છોડ્યો હતો. ઘટનાક્રમ અંગે સપાના વડા અખિલેશ યાદવે કહ્યું બાવીસમાં બદલાવ થશે. દરમ્યાન, રાજ્યના ઉપમુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્ય કહ્યું કે  ઉતાવળમાં લેવાયેલા નિર્ણયો ખોટા સાબિત થતા હોય છે. 
ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલને મોકલેલા પોતાના રાજીનામામાં મૌર્યે ભાજપની કાર્યપ્રણાલી પર સવાલો ઉઠાવ્યા હતા. સ્વામીપ્રસાદે આરોપ લગાવ્યો હતો કે, તેમણે પોતાની જવાબદારી નિભાવી પરંતુ પક્ષે તેમની ઉપેક્ષા કરી હતી જેને કારણે તેઓ રાજીનામું આપી રહ્યા છે.
દરમ્યાન, મૌર્યના રાજીનામાને પગલે ભાજપમાં રાજીનામાની ઝડી લાગી હી અને એક પછી એક એમ ત્રણ ધારાસભ્યે પક્ષ છોડી દીધો હતો. જે ત્રણ ધારાસભ્યે પક્ષ છોડયો તેમાં બાંદા જિલ્લાના તિંદવારી બેઠકના ધારાસભ્ય  બ્રિજેશ પ્રજાપતિ, શાહજહાંપુરની તિલહર બેઠકથી ધારાસભ્ય રોશનલાલ વર્મા અને કાનપુરના બિલ્હૌરના ધારાસભ્ય ભગવતી સાગરનો સમાવેશ થાય છે.
પત્રકારો સાથે વાત કરતાં સ્વામીપ્રસાદે કહ્યું હતું કે, કિસાનો, દલિતો,નૌજવાનો સાથે જેવો વ્યવહાર થઈ રહ્યો છે તે સહન થતો નથી. મેં મંત્રીમંડળની સાથે બહાર પણ અન્ય મંત્રીઓ સાથે વાત કરી હતી, પરંતુ મારી વાત સાંભળવામાં આવી ન હતી. 
રાજીનામા પહેલાં તેમણે સુનીલ બંસલ અને નાયબ મુખ્યમંત્રી સાથે પણ વાત કરી હતી.
Published on: Wed, 12 Jan 2022

© 2022 Saurashtra Trust