ગોવામાં ભાજપ વિરુદ્ધ લડવા સમાન વિચાર ધરાવતા પક્ષો સાથે ચર્ચા શરૂ : શરદ પવાર

ગોવામાં ભાજપ વિરુદ્ધ લડવા સમાન વિચાર ધરાવતા પક્ષો સાથે ચર્ચા શરૂ : શરદ પવાર
ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી સાથે સમજૂતી કરશું
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 11 : આવતા મહિને યોજાનારી ગોવા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના મુકાબલા માટે `સમાન વિચારો ધરાવતા રાજકીય પક્ષો સાથે વાતચીત ચાલુ છે.' રાષ્ટ્રવાદી કૉંગ્રેસના નેતા પ્રફુલ પટેલ અને શિવસેનાના નેતા સંજય રાઉત કૉંગ્રેસના સ્થાનિક નેતાઓ સાથે ચર્ચાવિચારણા કરી રહ્યા છે, એમ રાષ્ટ્રવાદી કૉંગ્રેસના વડા શરદ પવારે જણાવ્યું છે.
શરદ પવારે આજે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ભાજપનો પરાભવ કરવો જોઇએ એવો બધાનો વિચાર છે. તેથી સમાન વિચારધારા ધરાવનારાઓ સાથે ચર્ચા વિચારણા ચાલુ છે. અમારી ઇચ્છા એ છે કે ગોવામાં પરિવર્તનની જરૂર છે. ભાજપને સત્તા ઉપરથી દૂર કરવાની આવશ્યકતા છે.
ગોવામાં મહારાષ્ટ્ર ગોમાંતક પાર્ટી અને તૃણમૂલ કૉંગ્રેસ વચ્ચે સમજૂતી અંગે પવારે જણાવ્યું હતું કે તેઓએ એમજીપી સાથે અને અમારી સાથે વાત કરી છે. ગોવામાં ભાજપની વિરુદ્ધ અન્ય રાજકીય પક્ષોને સાથે લેવા માટે ચર્ચા ચાલુ છે. ઉત્તર પ્રદેશ, મણિપુર અને ગોવામાં ચૂંટણી લડવા અમે પ્રયત્નશીલ છીએ. રાષ્ટ્રવાદી મણિપુરમાં કૉંગ્રેસ સાથે પાંચ બેઠકો લડશે. ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી સાથે અમે ચૂંટણી સમજૂતી કરશું. ભાજપ કોમવાદી એજન્ડાને આધારે ચૂંટણી લડશે. પણ મને લાગે છે કે ગોવાના મતદારો તે નહીં સ્વીકારે.
એક પ્રશ્નના ઉત્તરમાં શરદ પવારે જણાવ્યું હતું કે સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે બોલાવેલી બેઠકમાં તેઓ હાજરી આપશે. સમાજવાદી પાર્ટીમાં સામેલ થવા ભાજપના નેતા યોગી આદિત્યનાથના પ્રધાનમંડળમાંથી આપેલું નાજીનામું એ એક નવી શરૂઆત છે. જેમ જેમ મતદાનનો દિવસ નજીક આવતો જશે તેમ તેમ વધુને વધુ લોકો ભાજપમાંથી હિજરત કરતાં જોવા મળશે, એમ શરદ પવારે ઉમેર્યું હતું.

Published on: Wed, 12 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer