પરમબીરને પોલીસદળમાં અને સરકારને સીબીઆઈમાં વિશ્વાસ નથી : સુપ્રીમ કોર્ટ

પરમબીરને પોલીસદળમાં અને સરકારને સીબીઆઈમાં વિશ્વાસ નથી : સુપ્રીમ કોર્ટ
મહારાષ્ટ્રમાં અત્યંત નિરાશાજનક પરિસ્થિતિ
નવી દિલ્હી, તા. 11 (પીટીઆઈ): મહારાષ્ટ્રમાં અત્યંત નિરાશાજનક પરિદૃશ્ય કે પરિસ્થિતિ છે, જેમાં ભૂતપૂર્વ પોલીસ કમિશનરને પોતાના પોલીસદળમાં અને રાજ્ય સરકારને સીબીઆઈમાં કોઈ ભરોસો નથી, એમ સુપ્રીમ કોર્ટે મંગળવારે જણાવ્યું હતું.
વિભાગીય કેસોમાં પોતાને ઘેરવાનો રાજ્યની પોલીસ પ્રયાસ કરી રહી છે. તેવી ભૂતપૂર્વ પોલીસ વડા વતીથી તેમના વકીલે કરેલી રજૂઆત બાદ ન્યાયાધીશો એસ. કે. કૌલ અને એમ.એમ. પુન્દરેશની બનેલી બેન્ચે આ નિરીક્ષણ કર્યું હતું.
સર્વોચ્ય અદાલત કે જેણે પરમબીર સિંહને ધરપકડથી બચાવવાના સમયને લંબાવવાનો ઇન્કાર કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે `આ એજ પોલીસ છે જેની તમે ઘણો સમય સુધી આગેવાની લીધી હતી. હવે અમે બીજું શું કહીએ. પોલીસના વડાને જ તેના પલીસદળમાં ભરોસો રહ્યો નથી. રાજ્ય સરકારને સીબીઆઈમાં ભરોસો નથી. આ અમારા માટે અત્યંત નિરાશાજનક પરિદૃશ્ય છે. અમે આનો શાંતિમય રીતે ઉકેલ લાવી શકીએ તેમ નથી.
`રાજ્ય સરકાર સીબીઆઈ તપાસ કરે તેને યોગ્ય ગણતી નથી અને તેમણે બૉમ્બે હાઈ કોર્ટમાં આ સંબંધમાં અરજી કરી હતી, જેમાં તેમની પીછેહઠ થઈ હતી. હવે આ બાબત સુપ્રીમ કોર્ટમાં છે. અમને ખબર નથી કે આ બાબતમાં સંબંધિત બેન્ચનો શું અભિપ્રાય હશે. અમે તમને પૂરતું સંરક્ષણ આપ્યું હતું. હવે વધુ આપી શકીએ તેમ નથી.' એમ બેન્ચે વધુમાં જણાવ્યું હતું.
સીબીઆઈ વતીથી હાજર રહેલા સોલીસીટર જનરલ તુષાર મહેતાએ એવો ભય વ્યક્ત કર્યો હતો કે રાજ્ય સરકાર એવા પગલાં ભરશે કે જેનાથી અમને તપાસ કરવાનું મુશ્કેલ બનશે.
સર્વોચ્ચ અદાલતે હવે આ બાબતની સુનાવણી 22 ફેબ્રુઆરી પર મોકૂફ રાખી છે.
Published on: Wed, 12 Jan 2022

© 2022 Saurashtra Trust