મુંબઈમાં 62,097 ટેસ્ટમાં 11,647 સંક્રમિતો મળ્યા, 14980ને રજા અપાઈ

મુંબઈમાં 62,097 ટેસ્ટમાં 11,647 સંક્રમિતો મળ્યા, 14980ને રજા અપાઈ
એક્ટિવ દરદીઓની સંખ્યા હજી એક લાખથી વધુ
સતત ચોથા દિવસે કોરોનાના દરદીઓ ઘટયા
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 11 : મંગળવારે મુંબઈમાંથી કોરોનાના 11,647 નવા કેસ મળ્યા હતા અને એ સાથે શહેરમાંથી અત્યાર સુધી મળેલા કોરોનાગ્રસ્તોની કુલ સંખ્યા 9,39,867 થઈ ગઈ છે. મુંબઈમાં અત્યારે 1,00,523 દરદીઓ સારવાર લઈ રહ્યા છે. જે નવા દરદી મળ્યા હતા એમાંથી માત્ર 851 દરદીને જ હૉસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. બાકીના હોમ ક્વોરન્ટાઈન કરાયાં છે. આજે સતત ચોથા દિવસે કોરોનાના નવા દરદીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે.
સોમવારે મુંબઈમાંથી 13,648, રવિવારે 19,474, શનિવારે 20,318, શુક્રવારે 20,971 અને ગુરુવારે 20,181 નવા દરદી મળ્યા હતા. 
છેલ્લાં 24 કલાકમાં બે કોરોનાગ્રસ્તનું મૃત્યુ થતા શહેરનો મરણાંક 16,413 પર પહોંચી ગયો હતો. શહેરમાં છેલ્લાં 24 કલાકમાં 14,980 દરદીઓને રજા આપવામાં આવી હતી. એ સાથે અત્યાર સુધી કુલ 8,20,313 દરદી સાજા થઈને ઘરે ગયા છે. મુંબઈનો રિક્વરી રેટ 87 ટકા છે, જ્યારે ડબાલિંગ રેટ 36 દિવસનો થઈ ગયો છે. જ્યારે સાપ્તાહિક ગ્રોથ રેટ 1.87 ટકા છે. 
મુંબઈમાં અત્યારે 63 બિલ્ડિંગો પાલિકાએ સીલ કરી છે. જ્યારે ચાલ-ઝૂંપડપટ્ટી સીલની સંખ્યા શૂન્યની છે. છેલ્લાં 24 કલાકમાં મુંબઈમાં 69,097 ટેસ્ટ કરવામાં આવી હતી. એ સાથે મુંબઈમાં અત્યાર સુધી કુલ 1,43,25,144 ટેસ્ટ કરાઈ છે. 
પાલિકાએ કહ્યું હતું કે કોરોનાના કુલ 36,573 બૅડમાંથી અત્યારે માત્ર 7283 બૅડ ભરાયેલા છે. બીજી રીતે કહીએ તો 19.90 ટકા જ ખાટલા દરદીથી ભરેલા છે. મંગળવારે મળેલા નવા દરદીમાંથી 76 નવા પેશન્ટોને ઓક્સિજન પર રાખવામાં આવ્યા હતા. એ ઉપરાંત જે નવા દરદી મળેલાં એમાં 9667 (83 ટકા)માં કોરોનાના કોઈ લક્ષણો નહોતા.
મહારાષ્ટ્રમાં કોરોનાના 34,424 નવા કેસ મળ્યા 
મહારાષ્ટ્રમાંથી મંગળવારે કોરોનાના નવા 34,424 કેસ મળી આવ્યા હતા. એ સાથે રાજ્યમાં અત્યાર સુધી કુલ 69,87,938 મળી આવ્યા છે. રાજ્યમાં અત્યારે 2,21,477 દરદી સારવાર હેઠળ છે. 
સોમવારે રાજ્યમાંથી 33,470, રવિવારે 44,388, શનિવારે 41,434, શુક્રવારે 40,925 અને ગુરુવારે 36,265 નવા કેસ મળ્યા હતા. 
છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં 22 કોરોનાગ્રસ્તોના મૃત્યુ થયા હતા. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 18,967 કોરોનાગ્રસ્તોને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. 
રાજ્યમાં 14,64,987 લોકો હોમ ક્વોરન્ટાઈનમાં છે, જ્યારે 3032 લોકો સંસ્થાકીય ક્વોરન્ટાઈનમાં છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 7,09,28,954 ટેસ્ટ કરવામાં આવી છે. 
થાણે શહેરમાંથી 2199 નવી મુંબઈમાં 1979 નવા કેસ 
મંગળવારે થાણે જિલ્લામાંથી કોરોનાના 874 નવા દરદી મળ્યા હતા, જ્યારે થાણે શહેરમાંથી 2199 નવા દરદી મળ્યા હતા. 
નવી મુંબઈમાંથી 1979, કલ્યાણ-ડોમ્બિવલીમાંથી 1107, ઉલ્હાસનગરમાંથી 262, ભિવંડી-નિઝામપુરમાંથી 77, મીરા-ભાયંદરમાંથી 797, પાલઘર જિલ્લામાંથી 301, વસઈ-વિરારમાંથી 798, રાયગઢ જિલ્લામાંથી 758 અને પનવેલ શહેરમાંથી 1366 નવા કેસ મળ્યા હતા. 
 મહારાષ્ટ્રમાંથી ઓમિક્રોનનો 34 નવા દરદી મળ્યા 
મંગળવારે મહારાષ્ટ્રમાંથી ઓમિક્રોન વાઈરસના 34 નવા પેશન્ટસ મળ્યા હતા. એ સાથે મહારાષ્ટ્રમાં અત્યાર સુધી આ ખતરનાક વાઈરસના મળેલા દરદીઓની સંખ્યા 1281 પર પહોંચી ગઈ છે. 499 દરદીઓને રજા આપી દેવામાં આવી છે. 
મંગળવારે ઓમિક્રોનના જે નવા 34 દરદી મળ્યાં હતાં એમાંથી પુણે જિલ્લામાંથી 31, સોલાપુર જિલ્લામાંથી બે અને પનવેલમાંથી એક કેસ મળ્યો હતો. 
પુણે જિલ્લામાંથી અત્યારે સુધી ઓમિક્રોનના કુલ 385 કેસ મળ્યા છે, જ્યારે મુંબઈમાંથી 606 કેસ મળ્યા છે. મુંબઈમાંથી મોટાભાગના દરદી ઍરપૉર્ટ પર ક્રાનિંગ દરમિયાન મળ્યા છે.
Published on: Wed, 12 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer