ખોડલધામનો પાટોત્સવ હવે અૉનલાઇન

ખોડલધામનો પાટોત્સવ હવે અૉનલાઇન
ભીડ ટાળવા કાર્યક્રમનું સ્વરૂપ બદલાયું 
અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 11  : લેઉવા પટેલ સમાજના સૌથી મોટા ધર્મસ્થાન કાગવડના ખોડલધામમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 21 જાન્યુઆરીએ પાંચ વર્ષ પૂર્ણ થતાં હોવાથી ખોડલધામમાં 21  જાન્યુઆરીએ પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે પણ કોરોનાના કારણે હવે આ પાટોત્સવની મંદિરમાં ઉજવણીના બદલે વર્ચ્યુઅલ એટલે કે અૉનલાઈન ઉજવણી થશે. 
ખોડલધામના પ્રવકતા હસમુખ લુણાગરિયાએ કહ્યું કે, હવે પાટોત્સવ અૉનલાઈન થશે. લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાશે. આ પાટોત્સવનો લોકો લાભ લઈ શકે એટલા માટે સોશિયલ મીડિયા પર તેનું જીવંત પ્રસારણ કરાશે. 
હાલમાં કોરોનાની સ્થિતિ વણસી હોવાથી પાટોત્સવ યોજવા મુદ્દે ચર્ચા ચાલતી હતી. તેથી ખોડલધામના ચૅરમૅન નરેશ પટેલે ટ્રસ્ટીઓની બેઠક બાદ અૉનલાઈન પાટોત્સવ ઊજવવાનું નક્કી કરાયું હતું. આ પાટોત્સવમાં 20 લાખ લોકો એકઠા કરવાની અપેક્ષા નરેશ પટેલે વ્યક્ત કરી હતી. 
પાટોત્સવમાં રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, પ્રધાને સહિત મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેવાના હતા. કોરોનાની નવી ગાઈડલાઈનના કારણે વર્ચ્યુઅલ પાટોત્સવનું આયોજન કરવામાં આવશે. 
પાટોત્સવમાં ઉપસ્થિત રહેવા માટે સમગ્ર ગુજરાતમાં રહેતા પાટીદાર સમાજને આમંત્રણ આપવા ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલે પોતે આખા રાજ્યનો પ્રવાસ કર્યો હતો.
 છેલ્લા બે મહિનાથી ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, આગેવાનો અને સ્વયંસેવકો દ્વારા પાટોત્સવની તડામાર તૈયારીઓ પણ કરાઈ રહી છે. પાટોત્સવમાં 108 કુંડી યજ્ઞ યોજાનાર હોય સ્વયંસેવકો દ્વારા હવનકુંડ તૈયાર કરી દેવામાં આવ્યા હતા.

Published on: Wed, 12 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer