દિલ્હીમાં લૉકડાઉનની સંભાવના નથી : કેજરીવાલ

દિલ્હીમાં લૉકડાઉનની સંભાવના નથી : કેજરીવાલ
ખાનગી અૉફિસો માટે વર્ક ફ્રોમ હૉમ, રેસ્ટોરાં માટે હૉમ ડિલિવરીનો આદેશ
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 11 : મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે આજે જણાવ્યું હતું કે દિલ્હીમાં લૉકડાઉન અમલમાં નહીં મુકાય. દિલ્હીમાં વધતા જતા કેસને ધ્યાનમાં રાખી કેજરીવાલે કહ્યું કે, ચિંતા કરવાની જરૂર નથી, અમે લૉકડાઉન અમલમાં નહીં મૂકીએ. દિલ્હીમાં આજે લગભગ બાવીસ હજાર જેટલા નવા કેસ નોંધાય એવી શક્યતા છે.
કેજરીવાલે કહ્યું, દિલ્હીમાં લગભગ વીસથી બાવીસ હજાર નવા કોવિડ-19 કેસ નોંધાય એવી શક્યતા છે. છેલ્લા બે દિવસથી પોઝિટિવિટી રેટ લગભગ 24-25 ટકા જેટલો રહ્યો છે. અમે દિલ્હીમાં રાત્રિ કફર્યુ જેવા કડક પ્રતિબંધ અમલમાં મૂકી રહ્યા છીએ. કોવિડની સારવાર અંગેની સુવિધાઓની સમીક્ષા માટે એક અગ્રણી હોસ્પિટલની મુલાકાત લીધા બાદ તેમણે જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે, ગયા વરસે ડેલ્ટા વૅરિયન્ટને કારણે આવેલી ઘાતક બીજી લહેરની સરખામણીએ ત્રીજી લહેરમાં મોટાભાગના કેસમાં હળવા લક્ષણો જોવા મળી રહ્યાં છે. કેજરીવાલે કહ્યું કે, ઓમિક્રોન હળવો હોવા છતાં ઘણો સંક્રામક છે, તેનાથી સાવધ રહેવું જરૂરી છે.
કોવિડ-19ના કેસોની વધતી સંખ્યા વચ્ચે દિલ્હી સરકારે મંગળવારે છૂટ આપવામાં આવી છે એ સિવાયની તમામ ખાનગી અૉફિસો બંધ કરવાનો આદેશ આપ્યો છે. દિલ્હી સરકાર કથિતપણે એવું પણ માને છે કે આગામી થોડા દિવસોમાં રાજધાનીમાં કોવિડ-19 ચરમ સીમાએ પહોંચશે.
ખાનગી અૉફિસો, જે અત્યાર સુધી પચાસ ટકા ક્ષમતા સાથે કામ કરી રહી હતી, તેમને વર્ક ફ્રોમ હૉમ કામ કરવા જણાવાયું છે.
દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ અૉથોરિટી દ્વારા જારી કરાયેલા આદેશમાં શહેરના રેસ્ટોરાં અને બાર બંધ કરવાનો પણ આદેશ અપાયો છે. જોકે રેસ્ટોરાંને હૉમ ડિલિવરી અને ખાદ્ય સામગ્રી લઈ જવા માટેની પરવાનગી આપી છે. શહેરમાં સરકારી અૉફિસો પચાસ ટકા ક્ષમતાથી કામ કરી રહી છે.
કેજરીવાલે કહ્યું કે, ડીડીએમએની બેઠકમાં અમે કેન્દ્ર સરકારના અધિકારીઓને રાષ્ટ્રીય રાજધાનીના તમામ વિસ્તારોને આવરી લેવાનો અનુરોધ કર્યો હતો. જોકે તેમણે આ અંગે આશ્વાસન આપ્યું હતું.
દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈનના જણાવ્યા મુજબ વધુ એક અઠવાડિયા માટે કફર્યુની સંભાવના અંગે જણાવ્યું કે, શહેરમાં આગામી 48 કલાકમાં કે આ અઠવાડિયામાં નિશ્ચિતપણે કોરોનાના કેસ એની ચરમસીમાએ હશે.
જૈને કહ્યું કે, પીક આવી ચૂકી છે કે એકાદ-બે દિવસમાં આવશે. આ અઠવાડિયે નિશ્ચિતપણે કેસોમાં ભારે વધારો થશે, પણ એ પછી કેસ ઘટવા જોઇએ. છતાં એવી પણ શક્યતા છે કે અમે લોકોને સાવચેતીનાં પગલાં ન ઘટાડવાની યાદ અપાવવા ઓર કફર્યુ અમલમાં મુકાય એવી શક્યતા છે. 
Published on: Wed, 12 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer