એશિયા કપની ભારતીય મહિલા હૉકી ટીમનું

એશિયા કપની ભારતીય મહિલા હૉકી ટીમનું
સુકાન ગોલકીપર સવિતા પૂનિયાને સોંપાયું
નવી દિલ્હી, તા.12: અનુભવી ગોલકીપર સવિતા પૂનિયા મસ્કતમાં રમાનાર મહિલા એશિયા કપ હોકી ટૂર્નામેન્ટમાં ભારતની 18 ખેલાડીની ટીમનું નેતૃત્વ સંભાળશે. હોકી ઇન્ડિયાએ આજે ટીમ જાહેર કરી છે. જેમાં ટોકયો ઓલિમ્પિકમાં ભાગ લેનાર 16 ખેલાડી સામેલ છે. નિયમિત કપ્તાન રાની રામપાલ હજુ ઇજામાંથી સંપૂર્ણપણે બહાર આવી નથી. આથી 21થી 28 જાન્યુઆરી દરમિયાન એશિયા કપમાં તેણીને વિશ્રામ અપાયો છે અને ગોલકીપર સવિતા પૂનિયાને કાર્યવાહક કપ્તાન બનાવાઇ છે.
મહિલા એશિયા કપમાં ભારતીય હોકી ટીમ પૂલ એમાં જાપાન, મલેશિયા અને સિંગાપોર સાથે છે. ભારતીય ટીમ ખિતાબ બચાવવાના અભિયાનનો પ્રારંભ ટૂર્નામેન્ટના પહેલા દિવસે 21મીએ પ્રથમ લીગ મેચમાં મલેશિયા સામે કરશે. આ પછી જાપાન (23મીએ) અને સિંગાપોર (24મીએ) સામે ટકરાશે. સેમિ 26મી અને ફાઇનલ મુકાબલો 28 જાન્યુઆરીએ રમાશે. ટૂર્નામેન્ટનો ટોચની ચાર ટીમ વિશ્વ કપ-2022 માટે કવોલીફાઇ કરશે.
ભારતીય મહિલા હોકી ટીમ: સવિતા પૂનિયા (કેપ્ટન), રજની અતિમારપૂ, દીપ દાસ એકકા, ગુરજીત કૌર, નિકકી પ્રધાન, ઉદિતા, નિશા, સુશીલા ચાનૂ, મોનિકા, નેહા, સલીમા ટેટે, નવજોત કૌર, નવનીત કૌર, લાલરેમ્સાયમી, વંદના કટારિયા, મારિયાના કુજૂર અને શર્મિલા દેવી.
Published on: Thu, 13 Jan 2022

© 2022 Saurashtra Trust