કૅપટાઉન ટેસ્ટ રોમાંચક : ભારત 70 રને આગળ; આફ્રિકા 210માં અૉલઆઉટ

કૅપટાઉન ટેસ્ટ રોમાંચક : ભારત 70 રને આગળ; આફ્રિકા 210માં અૉલઆઉટ
ભારતના બીજા દાવમાં બે વિકેટે 57: બુમરાહની 5 વિકેટ
કેપટાઉન તા. 12: ત્રીજો અને નિર્ણાયક ટેસ્ટ બીજા દિવસની સમાપ્તિ બાદથી જ અત્યંત રોચક સ્થિતિમાં આવી ગયો છે. ભારત 70 રને આગળ થયું છે અને 8 વિકેટ હાથમાં છે. આજે પહેલા બુમરાહની આગેવાનીમાં બોલરોના બળે દ. આફ્રિકાનો પહેલા દાવમાં 210 રને સંકેલો કરીને 13 રનની પાતળી સરસાઇ હાંસલ કરનાર ભારતીય ટીમે બીજા દિવસે બે વિકેટ ગુમાવીને પ7 રન કર્યાં હતા. કપ્તાન કોહલી 14 અને પુજારા 9 રને અણનમ રહ્યા હતા. 24 રનમાં મંયક (7) અને રાહુલ (10)ની વિકેટ ગુમાવ્યા બાદ આજના બીજા દિવસના અંતે ભારતે આફ્રિકાની ઘાતક બોલિંગ સામે વધુ નુકસાન અટકાવીને વાપસી કરી છે. કેપટાઉન ટેસ્ટના પહેલા દિવસે બોલરોના વર્ચસ્વ વચ્ચે 11 વિકેટ ઉખડી હતી, આજે પણ ન્યૂલેંડસની પિચ પર બોલરો વધુ ખતરનાક બન્યા હતા અને વધુ 11 વિકેટનું પતન થયું હતું. ભારત તરફથી આજે જસપ્રિત બુમરાહે આગઝરતી બોલિંગ કરીને તેની કેરિયરમાં સાતમીવાર પાંચ વિકેટની ઉપલબ્ધિ હાંસલ કરી હતી. જયારે આફ્રિકા તરફથી ભારતના બીજા દાવમાં રબાડા-યાન્સિને 1-1 વિકેટ લીધી હતી. આ પહેલા આફ્રિકા તરફથી પીટરસને એકલવીર બનીને 72 રન કર્યાં હતા. ફાઇનલ સમાન ટેસ્ટનો આવતીકાલનો ત્રીજો દિવસ બન્ને ટીમની હાર-જીતની દીશા નકકી કરશે. અહીંની વિકેટ પર ભારતને આફ્રિકાને 2પ0 આસપાસનું વિજય લક્ષ્યાંક આપવું જરૂરી છે. બીજી તરફ આફ્રિકા ભારતની બાકીના 8 વિકેટ જલ્દીથી પાડીને 200થી ઓછા વિજય લક્ષ્યાંક મળે તેવો પ્રયાસ કરશે. 
Published on: Thu, 13 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer