ખાંડના કારખાનાંને ટૅક્સ મુદ્દે રાહત

કાયદા અંગે સ્પષ્ટતાની માગ
પુણે, તા. 12 : નાણાં મંત્રાલયે ખાંડના કારખાનાંને શેરડીના વાજબી અને વળતરપ્રદ ભાવ (એફઆરપી) અથવા રાજ્યએ સૂચવેલા ભાવ (એસએપી)ની સરખામણીએ ખેડૂતોને ચૂકવેલા ઊંચા ભાવ માટે વધારાનો આવક વેરો ચૂકવવામાંથી અપવાદ આપતાં ઉદ્યોગમાં રાહતની લાગણી ફેલાઈ છે. ખાંડના કારખાનાંના માલિકોનું કહેવું છે કે નાણાં મંત્રાલયે આવક વેરા વિભાગના ચીફ કમિશનર્સ અને ડાયરેક્ટર જનરલને પત્ર લખીને નાણાકીય કટોકટીમાંથી પસાર થઈ રહેલી માંદી ખાંડ મિલોને વધારાનો આવક વેરો ચૂકવવામાંથી મુક્તિ આપવા જણાવ્યું છે, જે તમામ કારખાનાંને લાગુ થવું જોઈએ.  છેલ્લાં 30 વર્ષથી જે ખાંડનાં કારખાનાં શેરડીના ખેડૂતોને એફઆરપી કે એસએપીની સરખામણીએ ઊંચા ભાવ ચૂકવી રહ્યાં છે, તેમને આવક વેરા વિભાગે નોટિસો પાઠવીને ખેડૂતોને ચૂકવેલી વધારાની રકમ કારખાનાંઓનો નફો હોવાથી વધુ આવકવેરો ચૂકવવા આદેશ આપ્યો હતો. 
ગયા વર્ષે અૉક્ટોબરમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીઝ (સીબીડીટી)એ કારખાનાં ઉપર કોઈ વધારાનો વેરો લાદવામાં નહીં આવે તેવી સ્પષ્ટતા કરી હતી. જોકે, સીબીડીટીના આદેશમાં જણાવાયું હતું કે ફક્ત 2016 પછીની વધારાના વેરાની નોટિસો નહીં અપાય. ખાંડના કારખાનાંએ વર્ષ 2016 પહેલાના વેરાની નોટિસોમાંથી પણ મુક્તિની માગણી કરી હતી. 
એક ટોચના કારખાનેદારનું કહેવું છે કે પાંચમી જાન્યુઆરી, 2022ના રોજ જાહેર કરાયેલા સર્ક્યુલરમાં વર્ષ 2015-16 પહેલાના પેન્ડિગ કેસો વિશે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી. જોકે, નાણાં મંત્રાલયના આદેશને પગલે વર્ષ 1992થી વધારાના ટૅક્સની માગણીની લટકતી તલવાર હેઠળ પરેશાન સહકારી ક્ષેત્રનાં ખાંડનાં કારખાનાઓને થોડી રાહત ચોક્કસ મળી છે. 

Published on: Thu, 13 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer