અમેરિકાના ફુગાવાની જાહેરાત પૂર્વે સોના-ચાંદીમાં સુધારો

અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 12 : અમેરિકાના ફુગાવાના આંકડાઓની જાહેરાત પૂર્વે સોનાના ભાવમાં સુધારો આવ્યો હતો. ન્યૂયોર્કમાં સોનાનો ભાવ 1817 ડોલરની સપાટીએ રનીંગ હતો. ફુગાવાના આંકડાઓ પરથી ફેડરલ રિઝર્વને આવનારા દિવસોમા નાણાનીતિ કેવી રાખવી તે અંગે માર્ગદર્શન મળવાનું છે. આંકડાઓ એ રીતે મહત્વના ગણવામાં આવે છે. ચાંદીનો ભાવ આ લખાય છે ત્યારે 22.41 ડોલરના સ્તરે હતો. 
ડોલરના મૂલ્યમાં ગઇકાલે કડાકો સર્જાયો હતો. જેમાં રિકવરી આજે જોવા મળી હતી. જોકે હવે અમેરિકાના કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ડેટા ઉપર ઘણોબધો આધાર રાખવામાં આવે છે. અપેક્ષા પ્રમાણે ડેટા આવે તો સોનામાં થોડો ઘટાડો આવી શકે છે. જાણકારો કહે છેકે, ઓમિક્રોન વાઇરસનો ફફડાટ બજારમાં ફેલાયો છે એટલે સોનામાં ઉંચા મથાળે ભાવ જળવાય છે. 
અમેરિકામાં ફૂડ અને એનર્જીના ભાવમાં વધારો આવ્યો છે. એ કારણે ડિસેમ્બરનો ફુગાવો 5.4 ટકા આવે તેવી શક્યતા દેખાય છે. જે દાયકામાં સૌથી ઉંચો હશે. ગયા મહિનામાં 4.9 ટકા આ દર આવ્યો હતો. ફુગાવો વધે તો ફેડ સમય કરતા વહેલો વ્યાજદર વધારો કરે તેમ છે. 
ફુગાવાના આંકડાઓ જાહેર થાય એ પછી રોજગારીના આંકડાઓ ઉપર મદ્દાર રહેશે. કારણકે આવતીકાલે રોજગારીના આંકડાઓની પણ જાહેરાત થશે. બન્ને જો અર્થતંત્રની તરફેણમાં હોય તો સોનાના ભાવ પર દબાણ આવે તેમ છે. ડોલરનું મૂલ્ય એ કારણે જ કદાચ વધુ ઘટતું અટકી ગયું છે. શેરબજારોમાં પણ તેજી ચાલી રહી છે. જોકે સોના પર તેની અસર નથી. 
રાજકોટની ઝવેરી બજામાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામે રૂા. 270 વધતા રૂા. 49440 અને ચાંદી એક કિલોએ રૂા. 300 ઉંચકાઇને રૂા. 61500 રહી હતી. મુંબઇમાં રૂા. 47943નો ભાવ હતો. આજે રૂા.  238નો સુધારો હતો. ચાંદી રૂા. 391 વધતા રૂા. 60831 રહી હતી.
Published on: Thu, 13 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer