ટોચની ત્રણ આઈટી કંપનીઓનાં આશાસ્પદ ત્રિમાસિક પરિણામો

ટોચની ત્રણ આઈટી કંપનીઓનાં આશાસ્પદ ત્રિમાસિક પરિણામો
વિપ્રો, ટીસીએસએ વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી, ટીસીએસ રૂા. 18,000 કરોડના શૅર બાયબેક કરશે
મુંબઈ, તા. 12 : આજે તાતા કન્સલટન્સી સર્વિસીસ (ટીસીએસ), ઈન્ફોસિસ અને વિપ્રો ત્રણેય કંપનીઓએ ડિસેમ્બર 2021 ત્રિમાસિકનાં આશાસ્પદ નાણાકીય પરિણામોમાં નોંધાવ્યાં છે. ટીસીએસનો નફો 12 ટકા, ઈન્ફોસિસનો 7.2 ટકા અને વિપ્રોનો નફો પણ આંશિક વધ્યો હતો.
દેશની સૌથી મોટી આઈટી કંપની ટીસીએસનો ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 12 ટકા વધીને રૂા. 9,769 કરોડ થયો છે, જે ગત વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂા. 8,701 કરોડ હતો. જ્યારે આવક 16 ટકા વધીને રૂા. 48,885 કરોડ થઈ છે. કંપનીના બોર્ડે રૂા. 18,000 કરોડના શૅર બાયબેકને મંજૂરી આપી છે. જોકે, આ બાયબેક શૅરધારકોની મંજૂરીને આધિન છે. ટીસીએસના સીઈઓ અને મૅનેજિંગ ડિરેક્ટર રાજેશ ગોપીનાથને કહ્યું કે, અમારા ગ્રાહકો પ્રત્યેનો અભિગમથી અમે વૃદ્ધિ હાંસલ કરી રહ્યા છે. દરમિયાન કંપનીએ શૅરદીઠ રૂા. 7ના વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી હતી. 
દેશની બીજા ક્રમની સૌથી મોટી આઈટી કંપની ઈન્ફોસિસનો ડિસેમ્બર 2021 ત્રિમાસિકમાં કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો ત્રિમાસિક ધોરણે 7.2 ટકા વધીને રૂા. 5,809 કરોડ થયો છે. વાર્ષિક ધોરણે નફો 12 ટકા વધ્યો છે. ડિસેમ્બર 2020માં કંપનીનો નફો રૂા. 2,197 કરોડ હતો.  જ્યારે આવક ત્રિમાસિક ધોરણે 7.7 ટકા વધીને રૂા. 31,867 કરોડ થઈ છે. જે ડિસેમ્બર 2020 ત્રિમાસિકના રૂા. 25,927 કરોડની સરખામણીએ 23 ટકા વધુ છે. જર્મનીની અૉટોમોબાઈલ ક્ષેત્રની અગ્રણી કંપની ડેમલર સાથે કંપનીએ હાઈબ્રિડ ક્લાઉડ ભાગીદારી કરતાં કંપનીની વૃદ્ધિ થઈ છે.
ઈન્ફોસિસના સીઈઓ અને મૅનેજિંગ ડિરેક્ટર સલીલ પારેખે કહ્યું કે, અમે સારી કામગીરી નોંધાવી છે અને અમારા બજાર હિસ્સામાં વધારો થયો છે. ગ્રાહકોને પણ વિશ્વાસ છે કે ઈન્ફોસિસ ડિજિટલ કાયાપલટમાં તેમને શ્રેષ્ઠ મદદ કરશે. અમારા કર્મચારીઓને પણ સતત પુન:કૌશલ્ય આપતા હોવાથી અમારી કામગીરીમાં સુધારો થાય છે. મોટા એન્ટરપ્રાઈસિસ પાસેથી અમને ફાયદો થતો રહેશે.   
ડિસેમ્બર અંતના ત્રિમાસિક ગાળામાં વિપ્રો લિ.નો ચોખ્ખો નફો રૂા. 2,970 કરોડ થયો હતો, જે સપ્ટેમ્બર ત્રિમાસિકમાં રૂા. 2,931 કરોડ હતો. જ્યારે ગત વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં વિપ્રોનો નફો રૂા. 2,968 કરોડ હતો. 
ડિસેમ્બર ત્રિમાસિકમાં કંપનીની આવક રૂા. 19,667 કરોડથી વધીને રૂા. 20,432.3 કરોડ થયો છે. ડિસેમ્બર 2020 ત્રિમાસિકમાં વિપ્રોની આવક રૂા. 15,670 કરોડ હતી. જ્યારે ડિસેમ્બર 2021 ત્રિમાસિકમાં કંપનીનો કાચો નફો રૂા. 3,553.5 કરોડ નોંધાયો હતો. 
કંપનીના સીઈઓ અને ડિરેક્ટર થીયેરી ડેલાપોર્ટે કહ્યું કે, સતત પાંચમા ત્રિમાસિકમાં વિપ્રોએ સારી કામગીરી દર્શાવી છે. આવક અને નફાશક્તિ બંને કંપનીની સારી રહી છે. ઓર્ડર બુકમાં પણ વધારો થયો છે. ઉપરાંત સાત નવા ગ્રાહકો જોડાયા હોવાથી આવક 10 કરોડ ડૉલરથી પણ વધુની આવક થશે. કંપનીએ ઈક્વિટી શૅરદીઠ રૂા. એકના વચગાળાના ડિવિડંડની પણ જાહેરાત કરી છે. કંપની માર્ચ ત્રિમાસિકમાં આઈટી સર્વિસીસ બિઝનેસમાં બેથી ચાર ટકા વૃદ્ધિ અંદાજે છે.
Published on: Thu, 13 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer