માત્ર 18 દિવસમાં રૂપિયા 4000 કરોડના કામોને મંજૂરી અપાઈ

પાલિકાની ચૂંટણી પહેલા શિવસેના સક્રિય
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 12 : આગામી ફેબ્રુઆરીમાં ચૂંટણીઓને ધ્યાનમાં લઈને પાલિકામાં સત્તાધારી શિવસેનાએ મુંબઈમાં વિકાસ યોજનાઓ માટે ખજાનો ખોલી દીધો છે.
છેલ્લા 18 દિવસમાં પાલિકાએ ચાર હજાર કરોડ રૂપિયાના વિકાસ કાર્યોને મંજૂરી માટે સ્થાયી સમિતિ પાસે મોકળ્યા છે. જેમાં માર્ગોની મરમ્મત માટે 2000 કરોડ રૂપિયાનો પ્રસ્તાવ સામેલ છે, જેને મંજૂરી મળી ચૂકી છે.
બીએમસીએ ગાર્ડન અને ખેલના મેદાનોની વાળવણી, પાણીની આપૂર્તિ કરતી પાઇપલાઈનોનું સમારકામ, સીવરેજ લાઈનની મરમ્મત, નદી-નાળાનું શુદ્ધિકરણ વગેરે યોજનાઓ માટે રૂપિયા 2000 કરોડ રૂપિયાના પ્રસ્તાવને સ્થાયી સમિતિની મંજૂરી માટે મોકલી દીધો છે. બીએમસીએ હમણાં હમણાં તેના કર્મચારીઓ માટે આશ્રય યોજના શરૂ કરી છે. જોકે, તે વિવાદમાં ફસાઈ ગઈ છે. એવી જ રીતે પરિયોજનાથી પ્રભાવિત થયેલા લોકો માટે રૂપિયા 175 કરોડની યોજનાના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. નાળા સફાઈ માટે રૂપિયા 253 કરોડ રૂપિયાના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. આ ઉપરાંત તળાવોના સૌંદર્યકરણના કામ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
બીએમસીએ મુંબઈમાં દહીંસર નદીની સાથે પોઈસર નદીના શુદ્ધિકરણ માટે રૂપિયા 1482 કરોડ રૂપિયાનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે. નદીમાં પડતા ગંદા પાણીને રોકવા 10 સ્થળો ખાતે પ્રોસેસ સેન્ટર પણ બનાવવામાં આવશે. 36 મહિનામાં આ પ્રક્રિયા પૂરી કરવામાં આવશે.
મુંબઈના તમામ 24 વૉર્ડમાં ગાર્ડન, મેદાન, મનોરંજન પાર્ક અને ખુલી જગ્યાની દેખભાળ કરવા બીએમસી રૂપિયા 70 કરોડનો ખર્ચ કરશે.
Published on: Thu, 13 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer