67,339 ટેસ્ટમાં મળ્યા 16,420 કોરોના સંક્રામિતો, સાતના મૃત્યુ

એક દિવસમાં 40.98 ટકાનો વધારો
મહારાષ્ટ્રમાં કોરોનાના 46,723 નવા કેસ મળ્યા 
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 12 : બુધવારે મુંબઈમાંથી કોરોનાના 16,420 નવા કેસ મળ્યા હતા અને એ સાથે શહેરમાંથી અત્યાર સુધી મળેલા કોરોનાગ્રસ્તોની કુલ સંખ્યા 9,56,287 થઈ ગઈ છે. મુંબઈમાં અત્યારે 1,02,282 દરદીઓ સારવાર લઈ રહ્યા છે. જે નવા દરદી મળ્યા હતા એમાંથી માત્ર 916 દરદીને જ હૉસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી 
હતી. બાકીના હોમ ક્વોરન્ટાઈન કરાયા છે. 
છેલ્લા 24 કલાકમાં સાત કોરોનાગ્રસ્તનું મૃત્યુ થતા શહેરનો મરણાંક 16,420 પર પહોંચી ગયો હતો. શહેરમાં છેલ્લા 24 કલાકમાં 14,649 દરદીઓને રજા આપવામાં આવી હતી. ડબાલિંગ રેટ 36 દિવસનો થઈ ગયો છે. જ્યારે સાપ્તાહિક ગ્રોથ રેટ 1.85 ટકા છે. છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં 67,339 ટેસ્ટ કરવામાં આવી હતી. 
પાલિકાએ કહ્યું હતું કે, કોરોનાના કુલ 36,811 બૅડમાંથી અત્યારે માત્ર 6946 બૅડ ભરાયેલા છે. બીજી રીતે કહીએ તો 18.80 ટકા જ ખાટલા દરદીથી ભરેલા છે. બુધવારે મળેલા નવા દરદીમાંથી 98 નવા પેશન્ટોને ઓક્સિજન પર રાખવામાં આવેલા. એ ઉપરાંત જે નવા દરદી મળેલાં એમાં 13,793 (84 ટકા)માં કોરોનાના કોઈ લક્ષણો નહોતા.
મુંબઈમાં એક દિવસમાં કોરોનાના 4773 કેસ વધ્યા છે. તે 40.98 ટકાનો વધારો દર્શાવે છે.
મહારાષ્ટ્રમાંથી બુધવારે કોરોનાના નવા 46,723 કેસ મળી આવ્યા હતા. એ સાથે રાજ્યમાં અત્યાર સુધી કુલ 70,34,661 મળી આવ્યા છે. રાજ્યમાં અત્યારે 2,40,122 દરદી સારવાર હેઠળ છે. 
મંગળવારે રાજ્યમાંથી 34,424, સોમવારે 33,470, રવિવારે 44,388, શનિવારે 41,434 અને શુક્રવારે 40,925 નવા કેસ મળ્યા હતા. છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં 32 કોરોનાગ્રસ્તોના મૃત્યુ થયા હતા. એ સાથે રાજ્યમાં અત્યાર સુધી કોરોનાને લીધે 1,41,701 મૃત્યુ થયા છે. રાજ્યનો મૃત્યુ દર 2.01 ટકા છે.   
રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 28,041 કોરોનાગ્રસ્તોને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. એ સાથે રાજ્યમાં અત્યાર સુધી સાજા થઈને ઘરે ગયેલા દરદીઓની સંખ્યા 66,49,111 થઈ ગઈ છે. રાજ્યનો રિકવરી રેટ 94.52 ટકા છે. રાજ્યમાં 15,29,452 લોકો હોમ ક્વોરન્ટાઈનમાં છે, જ્યારે 6951 લોકો સંસ્થાકીય ક્વોરન્ટાઈનમાં છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 7,11,42,569 ટેસ્ટ કરવામાં આવી છે. એમાંથી 70,34,661 ટેસ્ટ (9.89 ટકા) પોઝિટિવ આવી છે.
Published on: Thu, 13 Jan 2022

© 2022 Saurashtra Trust